
નર્મદા : એમ. આર. આર્ટ્સ એન્ડ સાઇન્સ કોલેજના બે વિધાર્થીઓની યુનિવર્સિટીની એથલેટિક્સ ટીમમાં પસંદગી
રાજપીપળા : જુનેદ ખત્રી
રાજપીપલા સ્થિત એમ. આર. આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ માત્ર શૈક્ષણિક ક્ષેત્રે જ નહીં, પરંતુ ઈતર પ્રવૃત્તિઓ અને રમતગમતના ફલક પર પણ પોતાની શ્રેષ્ઠતા પુરવાર કરી રહી છે. તાજેતરમાં કોલેજમાં દ્વિતીય વર્ષના ચોથા સેમિસ્ટરમાં અભ્યાસ કરતા બે તેજસ્વી વિદ્યાર્થીઓ અતુલ વસાવા અને સુદામ વસાવાએ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની એથ્લેટિક્સ ટીમમાં પસંદગી પામીને સંસ્થાનું નામ રાજ્ય કક્ષાએ ગૌરવાન્વિત કર્યું છે. રમતગમતના ક્ષેત્રમાં યુનિવર્સિટી કક્ષાની ટીમમાં સ્થાન પ્રાપ્ત કરવું એ અત્યંત કઠિન અને કસોટી સમાન ગણાય છે, ત્યારે આ બંને યુવા પ્રતિભાઓએ પોતાની શારીરિક ક્ષમતા અને મક્કમ મનોબળના જોરે આ અશક્ય લાગતા લક્ષ્યને પાર પાડ્યું છે.
શૈક્ષણિક ક્ષેત્રે અભ્યાસ અને રમતગમતની ક્ષમતાના સમન્વયથી સર્જાતી અનોખી સિદ્ધિનો એક નમુનો રજૂ કરતાં રાજપીપલા સ્થિત એમ. આર. આર્ટ્સ એન્ડ સાઇન્સ કોલેજના દ્વિતીય વર્ષ ચોથા સેમેસ્ટરના બે મેધાવી વિદ્યાર્થીઓએ યુનિવર્સિટી સ્તરે અપૂર્વ ઉપલબ્ધિ સાધીને કોલેજના ઇતિહાસમાં સુવર્ણાક્ષરોમાં નામ અંકિત કર્યું છે. અતુલ વસાવા અને સુદામ વસાવાએ વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી, સુરત દ્વારા આયોજિત એથ્લેટિક્સ પ્રતિસ્પર્ધામાં ભાગ લઈને કોલેજ નું ગૌરવ વધાર્યું છે. અત્યંત પ્રતિષ્ઠિત અને કઠિન માનાતી આ પસંદગી પ્રક્રિયામાં અતુલ વસાવાએ ૮૦૦ મીટર દોડ સ્પર્ધામાં પ્રથમ સ્થાન, તો સુદામ વસાવાએ ૧૫૦૦ મીટર દોડ સ્પર્ધામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી યુનિવર્સિટીની રાષ્ટ્રીય સ્તરની એથ્લેટિક્સ ટીમમાં સ્થાન મેળવ્યું છે. એ કઠિનાઇઓથી ભરપૂર પસંદગીની પરીક્ષામાં ઉત્તીર્ણ થઈને આ બંને તરુણોએ તેમની અથાક મહેનત, અચલિત લગન અને અદમ્ય ઇચ્છાશક્તિની છાપ પાડી છે.
આ ઐતિહાસિક સિદ્ધિને રેખાંકિત કરતું એ વિશેષ તત્વ એ છે કે આ બંને હોનહાર વિદ્યાર્થીઓ સાગબારા અને ડેડીયાપાડા જેવા અંતર્યાળ વિસ્તારોમાંથી આવે છે. કોલેજના પ્રચાર્ય ડૉ. શૈલેન્દ્રસિંહ માંગરોલાએ આ સિદ્ધિને ‘શિક્ષણ અને રમતનો સુમેળ’ ગણાવીને બંને વિદ્યાર્થીઓના સંયમ અને સાધનાની પ્રશંસા કરી છે. કોલેજના જિમખાના વિભાગના પ્રાધ્યાપક ડૉ. રાહુલ ઠક્કર અને ડૉ. કમલ ચૌહાણે આ સિદ્ધિને વિદ્યાર્થીઓની નિષ્ઠા અને માર્ગદર્શકોના સહકારનું ફળ જણાવ્યું છે. સમગ્ર કોલેજ સ્ટાફ પરિવારે આ ઉપલબ્ધિ પર આનંદ અને ગર્વ વ્યક્ત કરી બંનેને હાર્દિક અભિનંદન પાઠવ્યા છે.
આગળ આ બંને ખેલાડીઓ સુરત યુનિવર્સિટી ખાતે આયોજિત થઈ રહેલા દસ દિવસના વિશેષ તાલીમ શિબિરમાં ભાગ લેશે અને ત્યારબાદ નજીકના સમયમાં બેંગલોર ખાતે આંતર-વિશ્વવિદ્યાલય, રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધામાં ભાગ લેવા પ્રસ્થાન કરશે. કોલેજનાં પ્રચાર્ય, જિમખાના વિભાગ અને સમસ્ત કોલેજ પરિવાર તરફથી આ રાષ્ટ્રીય સ્પર્ધામાં બંને પ્રતિભાશાળી ખેલાડીઓને ઉજ્જવલ સફળતા મેળવવા માટે શુભકામનાઓ અને આશીર્વાદ પ્રદાન કરવામાં આવ્યા છે. એવી પૂર્ણ આશા છે કે આ બંને યુવકો તેમની કુશાગ્ર બુદ્ધિ અને અદ્ભુત શારીરિક ક્ષમતા દ્વારા રાજ્ય અને દેશના માનમાં વધારો કરશે
.




