
GPSC ઇન્ટરવ્યૂમાં જાતિવાદ થતો હોવાનો AAP ધારાસભ્ય ચૈતર વસાવાનો ગંભીર આક્ષેપ
ઇન્ટરવ્યૂમાં ટોચના માર્ક લાવનાર SC ઉમેદવારો નાપાસ, EWS ઉમેદવારો પાસ: ચૈતર વસાવા
રાજપીપળા : જુનેદ ખત્રી
આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, જીપીએસસી દ્વારા લેવામાં આવતી મૌખિક ઇન્ટરવ્યૂની પ્રથા હવે જ્ઞાતિવાદી પ્રથા બની ગઈ છે. આજે હસમુખ પટેલ પોતે દ્રોણાચાર્ય પ્રથા ચલાવી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લા દસ વર્ષમાં જેટલી પણ ભરતી કરવામાં આવી છે તેમાં એસસી એસટી અને ઓબીસીના ઉમેદવારો સાથે જીપીએસસીના ચેરમેનો દ્વારા હળહળતો અન્યાય કરવામાં આવ્યો છે. તાજેતરમાં જીપીએસસીની ક્લાસ એક બે ની જાહેરાતોનું વિશ્લેષણ કરતા અમને ખ્યાલ આવે છે કે બાર ઉમેદવારો લેખિત પરીક્ષામાં 412 થી 429 વચ્ચે ગુણ ધરાવતા હતા તે ઉમેદવારોને ઇન્ટરવ્યૂમાં 20 થી 35 ગુણ આપવામાં આવ્યા અને ફેલ કરવામાં આવ્યા. બીજા એસસીના બાર ઉમેદવારો લેખિત પરીક્ષામાં 387 થી 412 માર્ક્સ લાવ્યા છે તે લોકોને ઇન્ટરવ્યૂમાં 24 થી 52 વચ્ચે માર્ક્સ આપવામાં આવ્યા અને તેઓ નાપાસ થયા. તેની સામે EWSના ઉમેદવારો જેઓ 376 થી 389 વચ્ચે માર્કસ લાવ્યા છે તે લોકોને હસમુખ પટેલની કમિટી દ્વારા ઇન્ટરવ્યૂમાં 70 થી 90 ગુણ આપવામાં આવ્યા છે જેના કારણે તેઓ પાસ થયા છે. જે વિદ્યાર્થીઓ લેખિત પરીક્ષામાં ટોપ ટેનમાં હતા તે લોકોને ઇન્ટરવ્યૂમાં ઓછા માર્ક આપવામાં આવ્યા જેના કારણે તેઓ નપાસ થયા.
હસમુખભાઈ પટેલ જ્યારે સુરતમાં આઇપીએસ હતા એ સમયની પણ અમે તપાસ કરી તો અમને જાણવા મળ્યું કે એમની માનસિકતા જ્ઞાતિવાદી જ છે. ભૂતકાળમાં પણ તેમણે જ્યાં પણ કામ કર્યું છે ત્યાં તેમણે પોતાની આવી જ જાતિવાદી છબી રાખી છે. સાથે સાથે કમિટીના કેટલાક સભ્યો દ્વારા અમદાવાદ ખાતે એક દિવસ પહેલાં મોક ઇન્ટરવ્યૂ રાખીને એ જ સવાલોની તાલીમ આપવામાં આવી છે. માટે આ કમિટી અને ચેરમેન હસમુખ પટેલને તેમના પદ ઉપરથી હટાવવાની અમે માંગ કરીએ છીએ. હસમુખ પટેલના કહેવાથી જ આટલી મોટી સંખ્યામાં યુવાનોને અન્યાય થયો હશે તેવું અમારું માનવું છે માટે હસમુખ પટેલને ચેરમેન પદેથી દૂર કરવા જોઈએ તેવી અમારી સ્પષ્ટ માંગણી છે. સાથે સાથે અમારી માંગણી છે કે હસમુખ પટેલના કાર્યકાળ દરમિયાન જેટલી પણ ભરતી થઈ છે તેની તપાસ કરવામાં આવે અને આ તમામ ઘટનામાં ચેરમેન અને કમિટીના લોકો સહિત જે પણ લોકો જવાબદાર હોય તે તમામ સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. ગુજરાત સરકારે અને હસમુખ પટેલે આ બાબતે જાહેરમાં આવીને ખુલાસો કરવો જોઈએ. જો આમ કરવામાં નથી આવતું તો ભૂતકાળના અને વર્તમાનના ઉમેદવારોને સાથે રાખીને જીપીએસસીની કચેરી સામે અમે કાર્યક્રમો કરીશું. ચૈતર વસાવાના આક્ષેપો બાદ GPSC ભરતી મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે



