
નર્મદામાં મતદારયાદીની ખાસ સઘન સુધારણા (SIR) કાર્યક્રમનો પ્રારંભ, ૭ ફેબ્રુઆરી ૨૦૨૬ ના રોજ આખરી મતદાર યાદી પ્રકાશિત કરાશે
રાજપીપલા : જુનેદ ખત્રી
ગુજરાત સહિત ૧૨ રાજ્યોમાં મતદાર યાાદી સુધારણાની કામગીરી તા. ૦૪ નવેમ્બર, ૨૦૨૫ થી શરૂ થઈ ચુકી છે, ત્યારે નર્મદા જિલ્લા કલેક્ટર તથા જિલ્લા ચૂંટણી અધિકારી એસ.કે.મોદીના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ નર્મદા જિલ્લાના ૧૪૮ નાંદોદ તથા ૧૪૯ દેડિયાપાડા એમ, બે વિધાનસભા મતવિસ્તારમાં 4 નવેમ્બર, 2025 થી મતદારયાદીની ખાસ સઘન સુધારણા (SIR) કામગીરીનો પ્રારંભ કરાયો છે.
નર્મદા જિલ્લા ચૂંટણી અધિકારી એસ.કે.મોદીએ જણાવ્યું કે, તા. ૦૪ નવેમ્બરથી ૦૪ ડિસેમ્બર, ૨૦૨૫ દરમિયાન બૂથ લેવલ ઓફિસર્સ (BLO) ઘરે ઘરે જઈને મતદારો પાસે ગણતરી પત્રક (એન્યુમરેશન ફોર્મ) આપશે અને માહિતી એકત્રિત કરશે. જેનો એકમાત્ર ઉદ્દેશ શુદ્ધ અને ત્રુટિરહિત મતદારયાદી તૈયાર કરવાનો છે. વલ્નરેબલ સોસાયટી જેવા કે, વૃધ્ધ, અશક્ત, દિવ્યાંગજનો માટે ઇલાયદી હેલ્પલાઈન નંબર પણ શરૂ કરાઈ છે. સ્થળાંતરિત મતદાતા ફોર્મ ૮ અને ૧૮ વર્ષની ઉંમરથી વધુના મતદારો ફોર્મ ૬ ભરીને બીએલઓને આપી શકશે.
એસ.કે.મોદીએ વધુમાં ઉમેર્યુ કે, ૫રત મળેલ તમામ એન્યુમેશન ફોર્મનો મુસદ્દો મતદારયાદી સબંધિત ભાગના મતદાર નોંધણી અધિકારી દ્વારા તા.૦૯ ડિસેમ્બર, ૨૦૨૫ ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવશે. આ સાથે ૫રત ન મળેલ ગણતરી ૫ત્રકોની અલગ યાદી તૈયાર કરીને નિયત સ્થળો ૫ર પ્રસિદ્ધ કરાશે. ત્યારબાદ આ તમામ ફોર્મની ચકાસણી કરી સબંધિત તમામ મતદાર નોંધણી અધિકારી દ્વારા નિર્ણયની કામગીરી, પુરાવાની જરૂરીયાત હોય તેવા મતદારોને નોટીસ આપી સુનાવણીની કામગીરી હાથ ધરાશે. આ સમગ્ર પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ૭ ફેબ્રુઆરી ૨૦૨૬ ના રોજ આખરી મતદાર યાદી પ્રકાશિત કરવામાં આવશે.
નર્મદા જિલ્લામાં ૪.૬૯ લાખથી વધુ મતદારોના ઘરે જઈને ૬૧૭ બુથ લેવલ ઓફિસર મતદાર યાદી ચકાસણીની કામગીરી કરશે. મતદાર યાદી સઘન સુધારણાનો આશય છે કે, કોઈ જગ્યાએ ડુપ્લીકેશન કે સ્થળાંતર થયેલ હોય, મૃત્યુના કિસ્સામાં, મતદારે વિદેશની નાગરિકતા સ્વીકારેલ હોય છતાં તે મતદારનું નામ હાલની મતદારયાદીમાં ચાલતું હોય તો તેઓનું વેરીફિકેશન પછી નામ કમી કરવાનુ થાય. આમ, તમામ મતદારો આ પ્રક્રિયામાં સહભાગી થાય અને કોઈ પણ અફવાઓથી દૂર રહે. ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા મારફતે અધિકૃત કરેલ વ્યક્તિ મારફતે માહિતી આપવામાં આવે તેને સાચી માનવી…
નોંધનીય છે કે, ગણતરી પત્રકોની પ્રક્રિયા ઓનલાઈન પણ કરી શકાશે. Voters.eci.Gov.in વેબસાઈટ પરથી ઓનલાઈન એન્યુમરેશન ફોર્મ ભરી શકશો. વિશેષ કરીને વલ્નરેબલ ગૃપ્સ ઓફ સોસાયટી જેવા કે, દિવ્યાંગજનો, વૃદ્ધજનો, અશક્તો, સેક્સ વર્કર માટે જેમને સહાયની આવશ્યકતા હોય તો તેઓ માટે ઇલાયદિ હેલ્પ ડેસ્કની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવેલ છે. વધુ માહિતી માટે શ્રી એસ.કે.મોદીએ બીએલઓ પાસેથી જાણકારી મેળવવા તેમજ શુદ્ધ મતદાર યાદી તૈયાર કરવા માટે, પુરતો સહયોગ આપવા અનુરોધ કર્યો હતો. ૧૯૫૦ ટોલ ફ્રી હેલ્પલાઈન પર સંપર્ક કરી શકાશે. તેમજ વલ્નરેબલ સોસાયટી માટે ઇલાયદી હેલ્પલાઈન નંબર ૦૨૬૪૦-૨૨૪૦૦૧ શરૂ કરાઈ છે.





