
રાજ્યકક્ષાના પોષણ ઉડાન ૨૦૨૫ કાર્યક્રમનો એકતાનગરના પટાંગણથી પ્રારંભ
પતંગોત્સવ થકી પોષણ વિશે જાગૃતિ લાવવાનો ‘પોષણ ઉડાન’ પહેલનો શુભાશય
રાજપીપલા : જુનેદ ખત્રી
પોષણ માનવીની શારીરિક ખામીઓને દૂર કરીને દરેક બાળક અને મહિલાને શ્રેષ્ઠ પોષણ સેવા ઉપલબ્ધ કરાવવાના ઉદ્દેશ સાથે રાજ્યકક્ષાના ‘પોષણ ઉડાન: ૨૦૨૫’ કાર્યક્રમને એકતાનગરના વ્યુ પોઈન્ટ-૧ ખાતેથી મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરીયાએ કુલ રૂ. ૧૨૪૭ લાખના ખર્ચે ૫૮ આંગણવાડી કેન્દ્રોના ઈ-ભૂમિ પૂજનની સાથે કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો. જેમાં જીએસપીસીના સીએસઆર ભંડોળ હેઠળ સમગ્ર દેશમાં પ્રથમ વાખત લાઈટ ગેજ સ્ટીલ ફ્રેમ (એલજીએસએફ) ટેક્નોલોજીનો વપરાશ કરી મહત્વકાંશી દાહોદ જિલ્લામાં ૨૯ અને નર્મદા જિલ્લામાં ૨૫ તેમજ ગાંધીનગર જિલ્લાના ૪ મળીને કુલ ૫૮ આંગણવાડી કેન્દ્રોનો સમાવેશ થાય છે.
‘પોષણ ઉડાન’ અંતર્ગત પતંગોત્સવ થકી પોષણ વિશે જાગૃતિ લાવવાના હેતુથી આયોજિત આ પ્રસંગે મંત્રી બાબરીયાએ જણાવ્યું કે, રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સુપોષિત રાજ્ય બનાવવાની ઝુંબેશને વધુ વેગવાન બનાવતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને ટીમ ગુજરાતે પોષણની ઉડાનને વધુ મજબૂતાઇથી પ્રોત્સાહિત કરી છે.
મંત્રીએ કહ્યું કે, પોષણ ઉડાનની પતંગને રાજ્યના ઘરેઘર પહોંચાડવા માટે રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટી તંત્ર સહિત પ્રજાની ભાગીદારી ખૂબ મહત્વપૂર્ણ છે. પોષણ ઉત્સવને જનભાગીદારીથી જનઆંદોલન તરફ લઈ જવાની જવાબદારી આપણી સૌની છે. મકરસંક્રાંતિના પર્વ સાથે પોષણ ઉડાન કાર્યક્રમને જોડવાનો એકમાત્ર આશય નર્મદા જિલ્લા સહિત રાજ્ય-રાષ્ટ્ર્રના લોકો પરંપરાગત ખોરાક પ્રેરિત કરવા અને પૌષ્ટિક ખોરાકના મહત્વ વિશે સમજણ પુરી પાડવાનો છે.
પોષણ ઉડાન કાર્યક્રમ દરમિયાન મંત્રી બાબરીયાએ સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર ખાતે ૧૮૨ મીટર ઉંચી વિશ્વની સૌથી વિશાળ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને કેન્દ્રસ્થાને રાખીને ૧૮૨ રંગબેરંગી ફુગ્ગાઓને ઊંચા આસમાને ઉડતા મૂક્યા હતા.
નોંધનીય છે કે, કાર્યક્રમ બાદ મંત્રીએ પિંક ઓટોના માધ્યમથી એકતાનગર સર્કિટ હાઉસ ખાતે પહોંચ્યા હતા. તેમણે સ્થાનિક પિંક ઓટોની મહિલા ડ્રાઇવર રેખાબેન તડવી સાથે આત્મીય સંવાદ સાધ્યો હતો. રેખાબેને પિંક ઓટો થકી સારી કમાણી કરીને પોતાના પરિવારને આર્થિક ટેકો આપવા આજે હું સક્ષમ બની છું. આ કાર્ય બદલ મંત્રીએ મહિલા ડ્રાયવરને પ્રોત્સાહિત કર્યા હતા.




