એસ્ટરોઈડ 2024 YR4 પૃથ્વી સાથે અથડાવાની શક્યતા વધી : નાસાના વૈજ્ઞાનિકો
વિશ્વભરના વૈજ્ઞાનિકો એસ્ટરોઈડ 2024 YR4 પર નજર રાખી રહ્યા છે. આ એસ્ટરોઈડ પૃથ્વી સાથે અથડાવાની શક્યતા વધી રહી છે. વૈજ્ઞાનિકોએ પહેલા પૃથ્વી સાથે તેના અથડાવાની એક ટકા શક્યતાની આગાહી કરી હતી, પરંતુ હવે તેમણે તેને વધારીને 2.3 ટકા કરી દીધી છે. વૈજ્ઞાનિકો સતત વધી રહેલા ખતરાથી ચિંતિત છે. સૌથી ચિંતાજનક બાબત એ છે કે તેની ગતિ અને કદ નથી જાણી શકાયું.
વૈજ્ઞાનિકોએ અનુમાન લગાવ્યું છે કે તેનું કદ 200 મીટર સુધી હોઈ શકે છે. યુએસ સ્પેસ એજન્સી નાસાના વૈજ્ઞાનિકોએ એસ્ટરોઈડ 2024 YR4થી કયા વિસ્તારો જોખમમાં હોઈ શકે છે તે ઓળખવાનું શરૂ કરી દીધું છે. એકવાર વિસ્તારો ઓળખાઈ જાય, પછી લોકોને બચાવવાના પ્રયાસો અગાઉથી શરૂ કરી શકાય છે. નાસાના વૈજ્ઞાનિકોનો અંદાજ છે કે જો એસ્ટરોઇડ 2024 YR4 પૃથ્વી સાથે અથડાય છે, તો તે આખા શહેરનો નાશ કરી શકે છે.
નાસાએ શક્ય રસ્તાઓ તૈયાર કર્યા છે જ્યાં આ ખતરનાક એસ્ટરોઈડ પડી શકે છે. આમાં ભારત સહિત ઘણા ગીચ વસ્તીવાળા દેશોનો સમાવેશ થાય છે. વૈજ્ઞાનિકોનો અંદાજ છે કે જો કોઈ એસ્ટરોઈડ પૃથ્વી પર પડે છે, તો તે 500 પરમાણુ બોમ્બ કરતાં વધુ શક્તિશાળી ઉર્જા વિસ્ફોટ ઉત્પન્ન કરી શકે છે. આનાથી કેટલો મોટો વિનાશ થશે તેનો અંદાજ ન લગાવી શકાય.
નાસાના કેટાલિના સ્કાય સર્વે પ્રોજેક્ટના એન્જિનિયર ડેવિડ રેન્કિને એસ્ટરોઈડની અસરના જોખમવાળા વિસ્તારોની ઓળખ કરી છે. આમાં ઉત્તરીય દક્ષિણ અમેરિકા, પેસિફિક મહાસાગર, દક્ષિણ એશિયા, અરબી સમુદ્ર અને પેટા સહારન આફ્રિકાના કેટલાક વિસ્તારોનો સમાવેશ થાય છે. ભારત, બાંગ્લાદેશ, પાકિસ્તાન, ઈથોપિયા, સુદાન, નાઈજીરીયા, વેનેઝુએલા, કોલંબિયા અને ઇક્વાડોર જેવા દેશો એસ્ટરોઈડથી સૌથી વધુ પ્રભાવિત થવાની સંભાવના ધરાવે છે. વૈજ્ઞાનિક રેન્કિન કહે છે કે અસરની સંભાવના ઓછી છે, પરંતુ જો 2024 YR4 પૃથ્વી સાથે અથડાય છે, તો સંભવિત પરિણામોને અવગણી ન શકાય.
ગયા વર્ષે ડિસેમ્બરમાં એસ્ટરોઈડ 2024 YR4ની શોધ થઈ હતી. આ પછી, નાસા અને યુરોપિયન સ્પેસ એજન્સીએ તેને એક મુખ્ય મુદ્દો બનાવ્યો. પહેલા તેના અથડાવાની સંભાવના એક ટકા હતી, પરંતુ હવે તે વધીને 2.3 ટકા થઈ ગઈ છે. વૈજ્ઞાનિકોએ તેને આ અત્યંત ખતરનાક શ્રેણીમાં મૂક્યું છે.
અત્યાર સુધી મળેલા આંકડા મુજબ, આ એસ્ટરોઇડ 22 ડિસેમ્બર, 2032ના રોજ પૃથ્વીથી લગભગ 1 લાખ 6 હજાર કિલોમીટરના અંતરે પસાર થશે. આમાં માર્જીન of એરર 1.6 મિલિયન કિલોમીટર હોઈ શકે છે. રિપોર્ટમાં જણાવાયું છે કે આ અંતરે, આ લઘુગ્રહ પશ્ચિમ મધ્ય અમેરિકાથી ઉત્તર દક્ષિણ અમેરિકા, મધ્ય એટલાન્ટિક મહાસાગર, આફ્રિકાના કેટલાક વિસ્તારો અને ભારત સુધી ફેલાયેલી સાંકડી પટ્ટીમાં પૃથ્વી સાથે અથડાઈ શકે છે.