
સમીર પટેલ, ભરૂચ
બેંગલુરુથી ‘સ્ટોપ રેપ’ના સૂત્ર સાથે પદયાત્રાએ નિકળેલી મારૂતિવાનને અંકલેશ્વરના બાકરોલ બ્રિજ પાસે અજાણ્યા વાહનચાલકે ટક્કર મારતા 2 વ્યક્તિના મોત નિપજ્યા હતા. જ્યારે 4 વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા હતા. બેંગલુરુ પાર્સિંગની મારૂતિવાન હાઇવે પર સુરતથી વડોદરા તરફ જઈ રહી હતી. ‘સ્ટોપ રેપ’ના સ્ટીકરવાળી આ વાન અંકલેશ્વરના બાકરોલ અને ખરોડ ચોકડી વચ્ચેથી પસાર થઈ રહી હતી. ત્યારે અજાણ્યા વાહનચાલકે તેને ટક્કર મારી હતી.
આ અકસ્માતમાં વાન હાઈવેની બાજુના વૃક્ષ સાથે ભટકાઈ હતી. જેમાં ઘટનાસ્થળે જ બે વ્યક્તિના મોત નિપજ્યા હતા. જ્યારે 4 વ્યક્તિને ઇજાઓ પહોંચી હતી. આ બનાવની જાણ પાનોલી પોલીસે થતા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને તપાસ હાથ ધરી હતી. ઇજાગ્રસ્તોને સારવાર અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા હતા. ભોગ બનનારની ભાળ મેળવવા સાથે અકસ્માત સર્જક ફરાર વાહનચાલકની શોધખોળ હાથ ધરવામાં આવી છે.




