
રાજપીપળાની આદર્શ નિવાસી શાળાના બાળકોને અપાતા ભોજન, શિક્ષા અને સુવિધાઓનું શિક્ષણ મંત્રીએ નિરીક્ષણ કર્યુ
જુનેદ ખત્રી રાજપીપલા
રાજ્યના કેબિનેટ આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રી ડૉ. કુબેરભાઈ ડિંડોર રાજપીપળા સર્કિટ હાઉસ ખાતે આવી પહોંચ્યા હતાં અને રાજપીપળા ખાતે સ્વામિત્વ કાર્યક્રમમાં હાજરી આપવાના હતાં પણ મોડીરાત્રે પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહનસિંહના નિધનના સમાચાર મળતા આ કાર્યક્રમ રદ કર્યો હતો અને સવારે તેમણે રાજપીપળા આદર્શ નિવાસી કુમાર છાત્રાલયની આકસ્મિક મુલાકાત લીધી હતી અને બાળકોને આપવામાં આવતા ભોજન, રહેઠાણ અને સરકાર દ્વારા પુરી પાડવામાં આવતી સુવિધાઓનું જાત નિરીક્ષણ કર્યું હતુ અને વર્ગખંડમાં જઇને બાળકો સાથે સંવાદ કર્યો હતો.
વર્ષ 1990ના દાયકામાં દેશમાં આર્થિક સુધારામાં મહત્વનું યોગદાન આપનાર અર્થશાસ્ત્રી અને પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહનસિંહને મંત્રી વિદ્યાર્થી અને સ્ટાફ સહિત લોકોએ બે મિનિટ મૌન પાળીને દિવ્ય આત્માને શ્રદ્ધાંજલી અર્પી હતી.
ત્યારબાદ મંત્રીએ એકતાનગર ખાતે આવેલી ગોરા એકલવ્ય રેસિડેન્સિયલ સ્કૂલ પી.એમ સ્કૂલ ફોર રાઈઝીંગ ઈન્ડિયાની મુલાકાત કરી હતી. જેમાં ધોરણ-10 -12ના સાયન્સ વર્ગખંડમાં વિદ્યાર્થીઓ સાથે શિક્ષણની ગુણવત્તા અને સરકાર દ્વારા પુરી પાડવામાં આવતી સગવડો સુવિધા અંગે વિદ્યાર્થીઓને પૃચ્છા કરી હતી. અને એક શિક્ષક તરીકેની ટૂંકી પ્રેરણાદાયી ભૂમિકા અદા કરી હતી. અને કહ્યું હતું કે, હું પણ એક આશ્રમ શાળા અને સરકારી સ્કૂલમાં ભણીને આગળ આવ્યો છું. સાથે સ્ટાર્ટ અપ, ઈનોવેશન, સ્માર્ટ ક્લાસ, કમ્પ્યુટર અને વિદ્યાર્થીઓને અભ્યાસક્રમ અંગે પ્રશ્નો પૂછીને શિક્ષણની ગુણવત્તા સંવાદ થકી જાણી ચકાસી હતી. અને શાળાના આચાર્ય પાસેથી બાળકોને સુવિધા-બાળકો દ્વારા કરાવવામાં આવતી પ્રવૃત્તિ ખેલમહાકુંભની અને શૈક્ષણિક પ્રવાસ અંગેની વિગતો મેળવી હતી. અને બાળકોને ઈનોવેશન રૂબરૂ જોવા મળે તેવા પ્રવાસો ગોઠવવા સૂચન કર્યું હતું. બાળકોને પૌષ્ટિક આહાર મળી રહે તે માટેની ગુણવત્તા પણ રસોડામાં જઈને ચકાસી હતી અને કેટલીક તૃટીઓ ધ્યાને આવતા તેને તાત્કાલિક બદલી સુધારવા સૂચના આપી હતી.





