NANDODNARMADA

નર્મદા : નવી શિક્ષણ નીતિ-૨૦૨૦ના પાંચ સંકલ્પ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માર્ગદર્શક સિદ્ધાંતો બની રહેશે : કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન

નર્મદા : નવી શિક્ષણ નીતિ-૨૦૨૦ના પાંચ સંકલ્પ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માર્ગદર્શક સિદ્ધાંતો બની રહેશે : કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન

 

વર્ષ ૨૦૩૫ સુધી ઉચ્ચ શિક્ષણમાં ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો (GER) ૫૦ ટકા સુધી પહોંચાડવાનો સરકારનો મુખ્ય હેતુ છે

 

 

નર્મદા જિલ્લાના એકતાનગર સ્થિત ટેન્ટસિટી-૨ ખાતે યોજાયેલી બે દિવસીય વાઈસ ચાન્સેલર્સ કોન્ફરન્સનું ઉદઘાટન કરતા મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન

 

સંમેલનના પ્રથમ દિવસે NEPના અમલને ઝડપી બનાવવા માટેના મૂળભૂત સુધારાઓ પર ચર્ચા થઈ

 

રાજપીપલા : જુનેદ ખત્રી

નર્મદા જિલ્લાના એકતાનગર સ્થિત ટેન્ટ સિટી-૨ ખાતે કેન્દ્રિય યુનિવર્સિટીઓના કુલપતિઓની બે દિવસીય કોન્ફરન્સનો આજથી પ્રારંભ થયો હતો. જેમાં દેશભરની ૫૦થી વધુ યુનિવર્સિટીઓના કુલપતિઓએ ભાગ લીધો છે. NEP-૨૦૨૦ની અમલવારીની સમીક્ષા, મૂલ્યાંકન અને આયોજન થકી ‘વિકસિત ભારત-૨૦૪૭’ના સંકલ્પને પરિપૂર્ણ કરવાનો આ કોન્ફરન્સનો મુખ્ય મુદ્દો રહ્યો છે. ભારત સરકારના કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આ કોન્ફરન્સનો પ્રારંભ કરાવ્યો હતો.

કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કોન્ફરન્સના ઉદઘાટન પ્રસંગે જણાવ્યું કે, છેલ્લા દાયકામાં ભારતનું ઉચ્ચ શિક્ષણ પરિપ્રેક્ષ્ય મૂળભૂત રીતે બદલાયું છે. આજે તેમાં વધુ સરળતા, આંતરવિષયક અભિગમ, સમાવેશી શિક્ષણ સાથે નવીનતા પણ છે. દેશભરમાં વર્ષ ૨૦૧૪–૧૫ પછી વિદ્યાર્થીઓના નામાંકનમાં ૩૦ ટકા નો વધારો થયો છે. જેમાં દીકરીઓના નામાંકનમાં ૩૮ ટકાનો વધારો થયો છે. જેમાં મહિલા ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો (GER) હવે પુરૂષોના GER કરતાં વધુ છે. અનુસૂચિત જનજાતિઓના GERમાં ૧૦ ટકા અને SCમાં ૮ ટકા જેટલો વધારો થયો છે. દેશભરમાં હાલ ૧૨૦૦ થી વધુ યુનિવર્સિટીઓ અને ૪૬,૦૦૦થી વધુ કોલેજો કાર્યરત છે.

મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને NEP-૨૦૨૦ના પંચ સંકલ્પો ૧. નવું ઊભરતું શિક્ષણ, ૨. બહુવિષયક શિક્ષણ, ૩. નવીન શિક્ષણ, ૪. સર્વાંગી શિક્ષણ અને ૫. ભારતીય શિક્ષણ વિશે વિસ્તાર પૂર્વક વાત કરી કુલપતિશ્રીઓને કહ્યું કે “વિદ્યાર્થી પ્રથમ”નો અભિગમ અપનાવો, વિદ્યાર્થીઓના કલ્યાણને કેન્દ્રસ્થાને રાખી ભવિષ્ય માટે તેમના માટે રોજગાર સર્જન, સામાજિક ઉત્થાન અને નૈતિક જવાબદારી માટે તૈયાર કરીએ. તેમણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ટેક્નોલોજી, ભારતીય જ્ઞાન સિસ્ટમ (IKS) અને ભાષા આધારિત અભ્યાસક્રમોને NEP-૨૦૨૦ના ધારા-ધોરણો મુજબ નવા અભ્યાસક્રમોમાં સમાવિષ્ટ કરવાની જરૂરિયાત પર ખાસ ભાર મૂક્યો હતો.

આ બે દિવસ દરમિયાન વિષયવાર ચર્ચાઓમાં આવશ્યક મુદ્દાઓમાં ૧. NEP મુજબ FYUP, NHEQF/NCrF, ૨. ભવિષ્યના રોજગારી માટે અભ્યાસક્રમોનું સંકલન, ૩. ડિજિટલ શિક્ષણ (SWAYAM, AAPAR વગેરે), ૪. યુનિવર્સિટી ગવર્નન્સ (SAMARTH), ૫. સમાનતા અને સમાવેશી શિક્ષણ, ૬. ભારતીય ભાષાઓ અને જ્ઞાન સિસ્ટમ, ૭. સંશોધન અને નવીનતા (ANRF, PMRF), ૮. રેંકિંગ અને માન્યતા, ૯. આંતરરાષ્ટ્રીયકરણ (Study in India), ૧૦. શિક્ષક વિકાસ (માલવિયા મિશન)નો ચર્ચાના વિષય તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે. આ કોન્ફરન્સ NEP-૨૦૨૦ના આગામી તબક્કાની અમલવારી માટે માર્ગદર્શક બની રહેશે.

 

આ સેમિનારમાં ભાગ લેતી સંસ્થાઓમાં દિલ્હી યુનિવર્સિટી, સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ હરિયાણા, આસામ યુનિવર્સિટી, હેમવતી નંદન બહુગુણા ગઢવાલ યુનિવર્સિટી, સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ રાજસ્થાન, સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ કાશ્મીર, વિશ્વભારતી, ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય આદિવાસી યુનિવર્સિટી (IGNTU), રાષ્ટ્રીય સંસ્કૃત યુનિવર્સિટી, સિક્કિમ યુનિવર્સિટી, ત્રિપુરા યુનિવર્સિટી, જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (JNU), યુનિવર્સિટી ઓફ અલ્હાબાદ અને ઘણી અન્ય સંસ્થાઓનો સમાવેશ થાય છે.

Back to top button
error: Content is protected !!