ભરૂચ-અંકલેશ્વરના વિકાસને વેગ:બૌડાની બેઠકમાં 60 કરોડના કામોને મંજૂરી, તવરામાં ત્રણ નવા ટીપી રોડ બનશે


સમીર પટેલ,
ભરૂચ-અંકલેશ્વર શહેરી વિકાસ સત્તામંડળ (બૌડા)ની બોર્ડ બેઠક કલેક્ટર ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતામાં યોજાઈ. બેઠકમાં કુલ રૂ.60 કરોડના વિકાસલક્ષી કામોને મંજૂરી આપવામાં આવી છે. તવરા ગામ વિસ્તારમાં 109.71 હેક્ટર જમીન પર ડ્રાફ્ટ ટીપી યોજના હેઠળ વિકાસ કરાશે. આ વિસ્તારમાં સામાજિક અને આર્થિક નબળા વર્ગ માટે આવાસો, બાગ-બગીચા અને વાણિજ્યિક ઉપયોગ માટે જગ્યા ફાળવાશે.
તવરા ટીપી વિસ્તારમાં રૂ.50 કરોડના ખર્ચે ત્રણ નવા રસ્તા બનશે. જીએનએફસી ચોકડીથી તવરા-શુક્લતીર્થ રોડને જોડતો 3 કિમી લાંબો રોડ, કેનાલ સાથે 24 મીટર પહોળો 1.5 કિમી રોડ અને ગાયત્રી સ્કૂલ પાસેથી કેનાલ તરફ જતો 18 મીટર પહોળો 2.60 કિમી રોડ બનાવાશે.
શ્રવણ ચોકડીથી ગેઈલ કોલોની સુધીના રસ્તાને કોંક્રીટ કરવા રૂ.8.31 કરોડ ફાળવાયા છે. માતરીયા તળાવ ગાર્ડનનું રૂ.7 કરોડના ખર્ચે પુનર્નિર્માણ પૂર્ણ થયું છે. ઝાડેશ્વર અને અંદાડા તળાવના નવીનીકરણ માટે રૂ.4 કરોડની મંજૂરી અપાઈ છે.
ઝાડેશ્વરથી તવરા સુધીના રસ્તાના વિકાસ માટે રૂ.22.96 કરોડ તેમજ પાઈપ ડ્રેનેજ, સ્ટ્રીટ લાઈટ અને અન્ય કામો માટે રૂ.15 કરોડ મંજૂર થયા છે. નર્મદા મૈયા બ્રીજ પરના વિજપોલ અને લાઈટના વાર્ષિક સમારકામ માટે રૂ.30 લાખ ફાળવાયા છે. બૌડાના વર્ષ 2025-26ના બજેટમાં નવા રોડ માર્ગોના વિકાસ માટે કુલ રૂ.60 કરોડની જોગવાઈ કરાઈ છે.



