GARUDESHWARNANDODNARMADA

૨૦૨૩ નું વર્ષ સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે ફળદાયી રહ્યું , ૫૦ લાખ કરતાં વધુ પ્રવાસીઓ નોંધાયા

૨૦૨૩ નું વર્ષ સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે ફળદાયી રહ્યું , ૫૦ લાખ કરતાં વધુ પ્રવાસીઓ નોંધાયા

 

 

જુનેદ ખત્રી : રાજપીપલા

 

સ્ટેચ્યુ ઓફ યુનિટીએ એકવાર ફરીથી નવો રેકોર્ડ સ્થાપિત કરી દીધો છે. વર્ષ 2023 માં 50 લાખથી વધુ પ્રવાસીઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી છે. આ આંકડો હજુ પણ વધી શકે છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળના મુખ્ય કારોબારી અધિકારી ઉદિત અગ્રવાલે જણાવ્યું કે, ગત વર્ષે એટલે કે 2022 માં લગભગ 46 લાખ પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે આવ્યા હતા, પરંતુ આ વર્ષે આ આંકડો વર્ષ પૂરું થતા પહેલા જ તૂટી ગયો છે. તેમણે અપેક્ષા વ્યક્ત કરી છે કે આગામી બે દિવસોમાં એટલે કે 30 અને 31 ડિસેમ્બર પછી આ આંકડો હજુ પણ વધી જશે.

default

ઉલ્લેખનીય છે કે, વર્ષ 2018 થી માંડીને 2023 સુધી સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે 1 કરોડ 75 લાખ 26 હજાર 688 પ્રવાસીઓ પહોંચ્યા છે, અને એવું પહેલીવાર થયું છે કે એક જ વર્ષમાં પ્રવાસીઓની સંખ્યા 50 લાખના આંકડાને પાર કરી ગઇ છે. છેલ્લા પાંચ વર્ષોના આંકડા પર જો નજર નાખીએ, તો વર્ષ 2018માં 4,53,020 પ્રવાસીઓ, વર્ષ 2019માં 27,45,474 પ્રવાસીઓ, વર્ષ 2020માં કોવિડ-19 મહામારીના કારણે પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો થયો હતો, તે વર્ષે 12,81,582 પ્રવાસીઓ આવ્યા હતા, જ્યારે તેના પછીના વર્ષે એટલે કે 2021માં પ્રવાસીઓની સંખ્યા વધીને 34,32,034 અને ગત વર્ષ 2022માં 45,84,789 પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે આવ્યા હતા.

 

ઉદિત અગ્રવાલે જણાવ્યું કે, અહીંયા આવનારા પ્રવાસીઓની સુવિધા માટે તમામ પ્રકારનું ધ્યાન રાખવામાં આવે છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી વહીવટીતંત્રએ પ્રવાસીઓના આવાગમનને સરળ બનાવવા અને શ્રેષ્ઠ અનુભવ પ્રદાન કરવા માટે બસોની સંખ્યામાં વધારો કર્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇ-બસોની શરૂઆત કરાવી હતી અને આ સાથે જ પ્રવાસીઓ માટે ગોલ્ફ કાર્ટ અને મિની બસ પણ શરૂ કરવામાં આવી છે.

 

સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેનારા વૃદ્ધ અને દીવ્યાંગ પ્રવાસીઓ માટે નિઃશુલ્ક વ્હીલચેરની સુવિધા આપવામાં આવી રહી છે. વ્હીલચેરની મદદથી વૃદ્ધ અને દીવ્યાંગ પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીના સમગ્ર પરિસરની સાથે-સાથે વ્યૂઇંગ ગેલેરીના મનોહર દ્રશ્યોનો આનંદ પણ લઇ શકે છે.

 

 

તેમણે વધુમાં જણાવ્યું કે, એકતા નગરને વિકસિત કરવા માટે નવા આકર્ષણો શરૂ કરવામાં આવ્યા છે. સાથે જ, મુખ્ય જે આકર્ષણો છે, તેમને વધુ બહેતર બનાવવામાં આવ્યા છે. એડવેન્ચર ટુરિઝમને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશથી ઝરવાણી-ખલવાની ઇકો ટુરિઝમ, સાયકલિંગ અને રિવર રાફ્ટિંગ જેવા આકર્ષણો પણ વધુ આકર્ષક બનાવવામાં આવી રહ્યા છે.

 

આ ઉપરાંત, અહીં આવનારા પ્રવાસીઓ મન, આત્મા અને શરીર વચ્ચે સંતુલન સાધી શકે, તે માટે આરોગ્ય વન વેલનેસ સેન્ટરની શરૂઆત કરવામાં આવી છે. અહીંયા આવીને પ્રવાસીઓને એક અલગ જ શાંતિનો અનુભવ મળે છે. અહીં પ્રવાસીઓને પ્રાચીન ભારતીય આયુર્વેદિક ચિકિત્સા પદ્ધતિનો લાભ મળે છે, જેના માટે આયુર્વેદ વેલનેસ સેન્ટરમાં પ્રશિક્ષિત ડોક્ટર અને સ્ટાફ હાજર છે. આ ઉપરાંત, આરોગ્ય વનનું ભ્રમણ કરીને પ્રવાસીઓ આયુર્વેદિક વનસ્પતિઓ, સારવારમાં ઉપયોગી થાય તેવી ઔષધિઓ વિશે જાણકારી પણ પ્રાપ્ત કરે છે.

 

એક ભારત, શ્રેષ્ઠ ભારતની ભાવનાને ધ્યાનમાં રાખીને એકતા નગરનો પણ સર્વાંગી વિકાસ કરવામાં આવી રહ્યો છે. જેનું પરિણામ એ છે કે એકતા નગર વૈશ્વિક મંચ પર ‘એક નગર, શ્રેષ્ઠ નગર, એકતા નગર’ તરીકે વિકસી રહ્યું છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!