
કેવડિયા શ્રધ્ધાંજલિ સભામાં જતાં ધારાસભ્ય ચૈતર વસાવા સહિત આદિવાસી આગેવાનોને પોલીસે ડીટેન કર્યા
પોલીસે કેવડિયા જતા અટકાવતા ધારાસભ્ય ચૈતર વસાવાએ ડેડીયાપાડા ખાતે મૃતક યુવાનોને શ્રધ્ધાંજલિ આપી
રાજપીપલા વડીયા જકાતનાકા પાસેથી કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પી ડી વસાવાને પોલીસે ડીટેન કર્યા
રાજપીપલા : જુનેદ ખત્રી
નર્મદા જિલ્લાના કેવડિયા નજીક નિર્માણ પામે રહેલા ટ્રાઈબલ મ્યુઝિયમ માં બે આદિવાસી યુવાનોને છ લોકોએ ઢોર માર્યા હતા. ત્યારબાદ બંને યુવાનોનું સારવાર દરમિયાન કરુણ મોત નીપજ્યું હતું આ ઘટના બાદ આદિવાસી સમાજમાં રોષ ફાટી નીકળ્યો છે સમગ્ર મામલે નર્મદા પોલીસે કુલ છ આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરીને સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી છે
મૃતકોના પરિવારને ન્યાય મળે યોગ્ય વળતર મળે ઉપરાંત નિર્માણધીન ટ્રાઇબલ મ્યુઝિયમ એજન્સીના મુખ્ય સંચાલકોનું ફરિયાદમાં નામ નોંધવા ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ માંગ કરી હતી ઉપરાંત આજે કેવડિયા ખાતે મૃતક યુવાનો માટે શ્રધ્ધાંજલિ નો કાર્યક્રમ જાહેર કરી ને તમામ આદિવાસી આગેવાનોને કેવડિયા આવા આહવાન કર્યું હતું
સમગ્ર મામલે કાયદો અને વ્યવસ્થા ના બગડે તે હેતુથી વહીવટી તંત્ર દ્વારા આ શ્રદ્ધાંજલિ સભાને મંજૂરી આપવામાં નહીં આવતા કાર્યક્રમ સ્થળે પહોંચી રહેલા આદિવાસી આગેવાનોને પોલીસે ડીટેઇન કર્યા હતા ધારાસભ્ય ચૈત્ર વસાવાને વહેલી સવારે પોતાના નિવાસસ્થાન બોગજ ખાતે નજર કેદ કરાયા હતા. પરંતુ તેઓ નજરકેદમાંથી છટકી જઈ ડેડીયાપાડા સુધી આવી પહોંચ્યા હતા. પોલીસે ડેડીયાપાડા ખાતે ચૈત્ર વસાવા અને તેમના સાથી મિત્રોને અટકાવી દીધા હતા પોલીસ અને ચૈતર વસાવા વચ્ચે ઘર્ષણના દ્રશ્યો પણ સર્જાયા હતા ત્યારબાદ ચૈતર વસાવા ડેડીયાપાડા ખાતે જ મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી
રાજપીપળા વડિયા જકાતનાકા પાસે પણ પોલીસે ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધો હતો બેરીકેટિંગ કરીને પોલીસ દ્વારા વાહનોની તપાસ કરવામાં આવી રહી હતી જેમાં કેવડિયા જતા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પીડી વસાવા ઉપરાંત કેવડિયા બચાવો આંદોલનના પ્રણેતા આદિવાસી આગેવાન એવા પ્રફુલ વસાવા સહિતના આદિવાસી આગેવાનોને ડીટેઇન કરી જીતનગર હેડ ક્વાટર ખાતે લઇ જવામાં આવ્યા હતા
બોક્ષ
મૃતકની બહેનનો વીડિયો વાઇરલ
સમગ્ર ઘટના વચ્ચે મૃતક યુવાનની બહેનનો વીડિયો વાઇરલ થયો હતો તેમાં તેઓએ આક્ષેપ કર્યો હતો કે તેમના પિતાને દબાણ કરી શ્રધ્ધાંજલિ કાર્યક્રમમાં નહિ જોડાવા ધાક જમાવી વીડિયો બનાવડાયો હતો..
બોક્ષ
ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ શ્રધ્ધાંજલિ કાર્યક્રમને રકિય એજન્ડા ગણાવ્યો….
સંસદે સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરી જણાવ્યું કે ચૈતર વસાવાના આવતીકાલના કેવડિયાના કાર્યક્રમને મારું કોઈપણ પ્રકારનું સમર્થન નથી. કેવડિયા ખાતે ચૈતર વસાવા દ્વારા જે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં હું ઉપસ્થિત રહેવાનો નથી. મારી કાર્યક્રમ વિશેની કોઈપણ પ્રકારની વાતચીત ચૈતર વસાવા, દર્શનાબેન દેશમુખ કે ઘનશ્યાભાઈ પટેલ સાથે થઈ નથી. એ લોકોની થઈ હોય તો તેઓ જાણે. 13 તારીખ ના કાર્યક્રમ સંદર્ભ માં મને કોઈ જાણ કરી નથી ખરેખર ચૈતર વસાવા અને તેમનો પક્ષ માત્રને માત્ર રાજકીય એજન્ડા સેટ કરવા માટે આદિવાસી ભાઈઓ-બહેનોને ઉશ્કેરીને ગેરમાર્ગે દોરી રહ્યા છે.






