દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખંભાળિયા ખાતે “રાષ્ટ્રીય દિકરી દિવસ”ની ઉજવણી કરાઈ

માહિતી બ્યુરો, દેવભૂમિ દ્વારકા
સમાજમાં દિકરીઓ પ્રત્યે ભેદભાવો અંગે લોકોમાં જાગૃતિ લાવવા, સ્ત્રી શિક્ષણ અને આરોગ્ય તેમજ પોષણ સ્તરમાં સુધારો લાવવા તેમજ મહિલાઓના અધિકારોના રક્ષણ અને તેમની સુખાકારીમાં વધારો કરવા જેવા વિવિધ હેતુઓથી સમગ્ર દેશમાં ૨૪ જાન્યુઆરીના રોજ “રાષ્ટ્રીય બાલિકા દિવસ” ની ઉજવણી કરવામાં આવે છે. ‘બેટી બચાવો બેટી પઢાવો’ અભિયાન અંતર્ગત જિલ્લા કલેક્ટર શ્રી રાજેશ તન્નાના માર્ગદર્શન હેઠળ ખંભાળીયા ખાતે જનરલ હોસ્પિટલમાં જન્મેલ દિકરીઓને વધાવવા માટે નાયબ કલેક્ટર ડો.રિધ્ધિ રાજ્યગુરૂના હસ્તે હોસ્પિટલમાં જન્મેલ ૨૫ દીકરીઓને દીકરી વધામણા કીટનું વિતરણ કરીને ઉજવણી કરવામાં આવી હતી. ઉપરાંત ગુજરાત સરકારની ‘વ્હાલી દિકરી’ યોજનાના ફોર્મ પણ આપી નિયત સમયમર્યાદામાં દીકરીઓને આ યોજના હેઠળ રૂ.૧,૧૦,૦૦૦/- ની સહાયનો લાભ મળી રહે તે માટે પણ સમજ આપવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં જિલ્લા મહિલા અને બાળ અધિકારી ડૉ. ચંદ્રેશ ભાંભી, જનરલ હોસ્પિટલના અધિક્ષકશ્રી ડો. ભારથી, ડો.એલ.એન.કનારા, દહેજ પ્રતિબંધક અધિકારી પ્રફુલ જાદવ તેમજ મહિલા અને બાળ અધિકારીની કચેરી તેમજ હોસ્પિટલના કર્મચારીઓ ઉપરાંત નવજાત દિકરીઓના વાલીઓ જોડાયા હતા.






