
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લામાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ(NHAI- નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા)એ ફરી એકવાર પોતાની કાર્યશૈલી અને જવાબદારી પ્રત્યેની બેદરકારીનું ખુલ્લુ પ્રદર્શન કર્યું છે.આહવાથી શામગહાનને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર વરસતા વરસાદ વચ્ચે જ પેચવર્કનું કામ શરૂ કરીને રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિભાગે જાહેર જનતાનાં નાણાનો બેફામ બગાડ કરવાની સાથે મોટો ભ્રષ્ટાચાર આચર્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.પ્રાપ્ત માહિતી અનુસાર, ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવાથી શામગહાન તરફ જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગમાં ઠેરઠેર ખાડાઓ પડી ગયા હતા.આ ખાડાઓ ભરવા માટેનું પેચવર્કનું કામ હાથ ધરવામાં આવ્યું હતુ.પરંતુ સમગ્ર જિલ્લામાં ગતરોજથી છૂટો છવાયો મેઘમહેર વરસી રહ્યો છે.ત્યારે જ આ કામગીરી શરૂ કરવામાં આવી.રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિભાગ દ્વારા વરસાદમાં પણ ડામર રોલર ફેરવવાની આ કામગીરી બુદ્ધિનું પ્રદર્શન સમાન છે. ટેકનિકલ માર્ગદર્શિકા અનુસાર, રોડનું પેચવર્ક કે ડામરનું કામ સૂકા વાતાવરણમાં જ ગુણવત્તાયુક્ત રીતે થઈ શકે છે,જ્યારે વરસાદી માહોલમાં કરવામાં આવેલું કામ થોડા જ સમયમાં ફરી ઉખડી જવાની પૂરેપૂરી સંભાવના હોય છે.વરસાદના પાણીથી ભરેલા ખાડાઓ પર માટી અને ડામરનું મિશ્રણ નાખીને કામ પતાવવાનો પ્રયાસ સ્પષ્ટપણે સૂચવે છે કે આ કામ માત્ર કાગળ પર દેખાડવા અને નાણાં ઓહિયાં કરી જવાના ઈરાદાથી કરવામાં આવ્યું છે.રોડ બનાવવામાં વપરાયેલા સરકારી નાણાં વરસાદમાં ધોવાઈ જશે, અને માર્ગની સ્થિતિ ‘જેમની તેમ’ જ રહેશે. આ કામગીરીના કારણે મુસાફરોને લાંબા ગાળે કોઈ ફાયદો થશે નહીં, પરંતુ કોન્ટ્રાક્ટર અને લાગતા-વળગતા અધિકારીઓનો વહીવટ જરૂર સફળ થઈ જશે.વરસાદમાં થયેલા આ પેચવર્કના કારણે સ્થાનિક લોકોમાં અને વાહનચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકો માંગ કરી રહ્યા છે કે રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઓથોરિટી દ્વારા આ ભ્રષ્ટ અને ગેરવહીવટભરી કામગીરીની તાત્કાલિક તપાસ કરવામાં આવે અને જાહેર જનતાના પૈસાનો આ પ્રકારે બગાડ કરનારા જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર સામે કડક પગલાં લેવામાં આવે. જ્યાં સુધી ગુણવત્તાયુક્ત કામ કરવામાં ન આવે ત્યાં સુધી ડાંગવાસીઓને ખરાબ રસ્તા પર મુસાફરી કરવી પડશે તેવું જણાઈ રહ્યું છે..




