
દેડિયાપાડા ભારતીય જ્ઞાન પરંપરા વિદ્યાશાખાઓ સાથે અનુબંધ” વિષય પર રાષ્ટ્રીય સેમિનાર યોજાયો
તાહિર મેમણ- ડેડીયાપાડા- દેડિયાપાડાની સરકારી વિનયન અને વિજ્ઞાન કૉલેજ ખાતે કોલેજ તથા IQAC અને રિસર્ચ સેલના સંયુક્ત ઉપક્રમે “ભારતીય જ્ઞાન પરંપરા : મૂળ, વારસો અને વિવિધ વિદ્યાશાખાઓ સાથે અનુબંધ” વિષય પર એકદિવસીય રાષ્ટ્રીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ સેમિનારના ઉદ્ઘાટનસત્રમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિશ્રીડૉ. કિશોરસિંહ ચાવડા દ્વારા ભારતીય જ્ઞાન પરંપરા સંદર્ભે ડિજિટલ માધ્યમથી માહિતી આપી સેમિનારના આયોજન માટે સંસ્થાને અભિનંદન પાઠવ્યા હતા.
સેનિમારના પ્રથમ સત્રમાં એચ.કે.આર્ટ્સ કોલેજ, અમદાવાદના નિવૃત્ત અધ્યાપક, શિક્ષણવિદ એવા ડૉ. હર્ષદેવ માધવ દ્વારા “ભારતીય જ્ઞાન પરંપરા : મૂળ, વારસો અને જ્ઞાનની સંકલ્પના” વિષય પર વિગતવાર અને જ્ઞાનસભર માહિતી આપી શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આ સત્રમાં ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદના સંસ્કૃત વિભાગના પ્રોફેસરશ્રી ડૉ. મયુરીબેન ભાટીયા દ્વારા “ભારતીય જ્ઞાન પરંપરાનું વૈશ્વિક યોગદાન : વર્તમાન પરિપ્રેક્ષ્યમાં” વિષય પર વૈદિક સાહિત્યથી લઈને સાંપ્રત સાહિત્યમાં રહેલા ભારતીય જ્ઞાન પરંપરાના અંશોનો વિગતે પરિચય આપી ભવિષ્યમાં જ્ઞાન પરંપરાના સંશોધનના અવકાશ બાબતે પ્રકાશ પાડ્યો હતો.
રબીન્દ્રનાથ ટેગોર યુનિવર્સિટી-ભોપાલના એસોશિએટ પ્રોફેસર ડૉ. સંજય દુબેએ “ભારતીય જ્ઞાન પરંપરાની ધરોહર : પાંડુલિપિઓ” વિષય પર ઊંડાણ પૂર્વક પાંડુલિપિઓમાં રહેલા જ્ઞાન, તેના પ્રકાશન અને સંશોધનની દિશાઓ ઉજાગર કરી શકે તેવું વક્તવ્ય પ્રસ્તુત કર્યું હતું.



