Rajkot: રાજકોટ ખાતે “નેશનલ સ્પોર્ટ્સ ડે”ની ઉજવણી કેન્દ્રીય મંત્રી શ્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાની પ્રેરક ઉપસ્થિતિમાં કરાશે

તા.૨૮/૮/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
ફીટ ઈન્ડિયા’ના શપથ, વોલીબોલ, રસ્સા ખેંચની ચસ્પર્ધાઓ તથા ‘સાયકલ ઓન સન્ડે’નું આયોજન
Rajkot: ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા હોકીના જાદુગર શ્રી મેજર ધ્યાનચંદની જન્મજ્યંતિ નિમિત્તે તા.૨૯ થી ૩૧ ઓગસ્ટ સુધી “નેશનલ સ્પોર્ટ્સ ડે”ની ઉજવણી કેન્દ્રીય મંત્રી શ્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાની પ્રેરક ઉપસ્થિતિમાં કરવામાં આવશે.
આ પ્રસંગે કેબિનેટ મંત્રીઓ સર્વશ્રી રાઘવજીભાઈ પટેલ, શ્રી કુંવરજીભાઈ બાવળીયા અને શ્રીમતી ભાનુબેન બાબરીયા, મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પ્રવિણાબેન રંગાણી સંસદસભ્યો સર્વશ્રી પરસોત્તમભાઈ રૂપાલા, શ્રી રામભાઈ મોકરીયા, શ્રી કેસરીદેવસિંહ ઝાલા, ધારાસભ્ય શ્રી ઉદયભાઈ કાનગડ, શ્રી જયેશભાઈ રાદડીયા, શ્રી રમેશભાઈ ટીલાળા, શ્રીમતી ગીતાબા જાડેજા, ડૉ. દર્શિતાબેન શાહ, ડૉ. મહેન્દ્રભાઈ પાડલીયા, શ્રી દુર્લભજીભાઈ દેથરિયા, શ્રી જીતુભાઈ સોમાણી સહીતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને જિલ્લા વહીવટી તંત્ર રાજકોટ દ્વારા તા.૨૯ ઓગસ્ટથી ત્રણ દિવસ સુધી “નેશનલ સ્પોર્ટ્સ ડે” ની ઉજવણી અંતર્ગત વિવિધ રમતો યોજાશે.
તા.૨૯મી ઓગસ્ટે, ‘ફીટ ઈન્ડિયા’ના શપથ લેવામાં આવશે અને રાજકોટમાં મેજર ધ્યાનચંદ હોકી ગ્રાઉન્ડ-રેસકોર્સ ખાતે હોકીની ચાર મેચ યોજવામાં આવશે. જેમાં ચાર ટીમના ૪૪ સભ્યો ભાગ લેશે.
તા. ૩૦મી ઓગસ્ટે પોલીસ હેડ ક્વાર્ટર ખાતે વોલીબોલ, રસ્સા ખેંચની સ્પર્ધા રાખવામાં આવશે. જેમાં પોલીસ વિભાગ, કોર્પોરેશન વિભાગ, જિલ્લા પંચાયત તથા કલેક્ટર કચેરીની પુરુષ ટીમ અને મહિલા ટીમ એમ ચાર-ચાર ટીમો વચ્ચે સ્પર્ધા થશે.
તા. ૩૧મી ઓગસ્ટે ‘ફિટ ઈન્ડિયા મૂવમેન્ટ’ અને ‘મેદસ્વિતામુક્ત ગુજરાત’ અભિયાન અન્વયે રાજકોટ મહાનગર તથા નગરપાલિકા કક્ષાએ ‘સાયકલ ઓન સન્ડે’નું આયોજન કરવામા આવ્યું છે.
મહાનગર પાલિકા વિસ્તારના બહુમાળી ભવન ખાતેથી રેસકોર્સ રિંગરોડ ફરતે સાઇક્લોથોનનું આયોજન કરવામાં આવશે. જ્યારે છ નગરપાલિકા વિસ્તારમાં અંદાજિત ૫૦૦થી વધુ લોકો ‘સાયકલ ઓન સન્ડે’માં ભાગ લેશે.



