
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
અરવલ્લી – મોડાસા તાલુકાના હફસાબાદના ખેડૂત નટુભાઈએ 2013થી પ્રાકૃતિક ખેતી અપનાવી બતાવ્યો ટકાઉ ખેતીનો માર્ગ
*ગુજરાત પ્રાકૃતિક વિકાસ બોર્ડના સહયોગથી નટુભાઈની અદ્ભુત સફર…ખર્ચ ઘટ્યો, નફો વધ્યો*
*ઝેરમુક્ત શાકભાજી અને સ્વસ્થ જમીન અરવલ્લીના મોડાસા તાલુકાના હફસાબાદના નટુભાઈની પ્રાકૃતિક ખેતીની સફળતા*
અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના હફસાબાદ ગામમાં રહેતા પ્રગતિશીલ ખેડૂત ચમાર નટુભાઈએ ૨૦૧૩થી પ્રાકૃતિક ખેતીનો માર્ગ અપનાવીને ખેતીના ક્ષેત્રે એક અદ્ભુત અને પ્રેરણાદાયી સફળતાની વાર્તા રચી છે. આજે તેઓ માત્ર પોતાના પરિવાર માટે જ નહીં, પરંતુ આજુબાજુના અનેક ગામોના ખેડૂતો માટે જીવંત પ્રેરણાસ્તંભ બની ગયા છે.પહેલાં રાસાયણિક ખાતરો અને જંતુનાશકોના ભારે ઉપયોગથી થતા ખર્ચ અને જમીનની બગડતી ફળદ્રુપતાથી પરેશાન નટુભાઈએ ગુજરાત પ્રાકૃતિક વિકાસ બોર્ડના માર્ગદર્શન અને સહયોગથી સંપૂર્ણપણે દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા. તેમણે રાસાયણિક દવાઓને બાજુએ મૂકી દીધી અને જીવામૃત, બીજામૃત, ઘનજીવામૃત, નીમાસ્ત્ર, અગ્ન્યાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર જેવા પ્રાકૃતિક તૈયારીઓ અપનાવી. દેશી ગાયના છાણ મૂત્રનો ઉપયોગ કરીને તેમણે જમીનને પુનઃજીવિત કરી અને તેની કુદરતી શક્તિને પાછી મેળવી.
આજે તેમના ખેતરમાં અનાજના પાક જેવા કે ઘઉં, મકાઈ, જુવાર, બાજરી તથા વિવિધ શાકભાજી ટામેટાં, ભીંડા, રીંગણ, તુરિયા, કારેલા, શક્કરિયા,ફ્લાવર વગેરે ઉગાડવામાં આવે છે. આ બધું ઝેરમુક્ત, તાજું, સ્વાદિષ્ટ અને પૌષ્ટિક હોવાને કારણે બજારમાં તેને સારી કિંમત મળે છે અને ગ્રાહકોમાં વિશ્વાસ પણ વધ્યો છે. ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો થવાથી તેમની નફો પણ અનેકગણો વધ્યો છે.નટુભાઈની સફળતાની વાત ફેલાતાં જ આજુબાજુના ખેડૂતો તેમના ખેતરની મુલાકાત લેવા આવે છે. તેઓ પોતાના અનુભવો, પ્રાકૃતિક ખાતર બનાવવાની રીતો, જંતુ રોગ નિયંત્રણના કુદરતી ઉપાયો અને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવવાની ટિપ્સ વહેંચે છે. આજે અનેક યુવા ખેડૂતો તેમની પાસેથી પ્રેરણા લઈને પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધી રહ્યા છે, જેનાથી આ વિસ્તારમાં પ્રાકૃતિક કૃષિનો ઝડપથી વ્યાપ વધી રહ્યો છે.
ગુજરાત સરકાર અને ગુજરાત પ્રાકૃતિક વિકાસ બોર્ડ દ્વારા પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે વિવિધ યોજનાઓ ચલાવવામાં આવી રહી છે જેમ કે દેશી ગાયના નિભાવ ખર્ચમાં સહાય, તાલીમ કાર્યક્રમો, નિદર્શન ખેતરો અને બજાર સુવિધા. આ યોજનાઓનો લાભ લઈને રાજ્યભરમાં હજારો ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવી રહ્યા છે અને આર્થિક સ્વાવલંબન તરફ આગળ વધી રહ્યા છે.પ્રાકૃતિક ખેતીનું મહત્વ આજના સમયમાં અત્યંત વધારે છે. રાસાયણિક ખેતીથી જમીનની ફળદ્રુપતા ઘટી રહી છે, પાણી અને હવા પ્રદૂષિત થઈ રહ્યા છે અને માનવ સ્વાસ્થ્ય પર ગંભીર અસર પડી રહી છે. આવા સમયે પ્રાકૃતિક ખેતી જ માત્ર ટકાઉ ખેતી જ નહીં, પરંતુ આવનારી પેઢી માટે સ્વસ્થ પર્યાવરણ અને ઝેરમુક્ત ખોરાકની ખાતરી પણ આપે છે ચમાર નટુભાઈ જેવા નિષ્ઠાવાન અને પરિશ્રમી ખેડૂતોના પ્રયાસો ગુજરાતના ખેતી ક્ષેત્રને નવી દિશા, નવી આશા અને નવો વિશ્વાસ આપી રહ્યા છે.





