વાત્સલ્યમ્ સમાચાર,બળવંતસિંહ ઠાકોર,ખેરાલુ
ખેરાલુ તાલુકાના ડભોડા રાઉન્ડના અરઠી ગામે વન વિભાગ નર્સરી ખાતે ચૌધરી આશાબેન ફોરેસ્ટર તથા ભરતજી વનરક્ષકના અધ્યક્ષ સ્થાને પ્રાકૃતિક ખેતીની શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં સ્થાનિક ખેડૂત ભાઈ બહેનોને ગાય આધારિત પ્રાકૃતિક ખેતીનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ તથા જીવામૃત બનાવવાનું લાઈવ ડેમો બતાવવામાં આવ્યો હતો.
ગ્લોબલ વોર્મિંગ દુનિયા સામે મોટો પડકાર છે. રાસાયણિક ખાતરના વપરાશથી જમીનના જૈવિક કાર્બનમાં મોટાપાયે ઘટાડો થયો છે આ બધાથી બચવા ગાય આધારિત પ્રાકૃતિક ખેતી મહત્વપુર્ણ છે એમ ફોરેસ્ટર ચૌધરી આશાબેને જણાવ્યું હતુ . જ્યારે વનરક્ષક ભરતજીએ જણાવ્યું હતુ કે, હાલ માં મહેસાણા જીલ્લાના તાલુકાઓના ૧૩૮૯૦ ખેતરની માટી નુ પરીક્ષણ કરાયુ છે. ઓર્ગેનિક કાર્બન અને નાઇટ્રોજન નુ પ્રમાણ ઘટ્યુ જમીન બંજર બનાવાની આરે છે. હજી સમય છે સમજુ બની ગૌ આધારીત ખેતી અપનાવી જમીન ને જીવંત બનાવો.
આ તાલીમમાં ફાર્મર માસ્ટર ટ્રેનર ઠાકોર રામાજી જોરાજીએ ઉપસ્થિત ધરતીપુત્રોને દેશી ગાય નિભાવ યોજના અંગે પણ માહિતી પૂરી પાડી હતી. તેમણે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતીની પ્રોત્સાહન આપવા માટે ખેડૂતો અને પશુપાલકોને દેશી ગાય નિભાવ ખર્ચ યોજના અંતર્ગત એક ગાય દીઠ માસિક રૂપિયા ૯૦૦ ની સહાય સરકાર દ્વારા ચૂકવવામાં આવે છે.