
અરવલ્લી
અહેવાલ :- હિતેન્દ્ર પટેલ
પ્રાકૃતિક ખેતી વિશેષ – દેશી ગાયના ગોબર-ગૌમૂત્રથી સુરેશભાઈએ પોતાના ગામે જ શરૂ કર્યું પ્રાકૃતિક ખાતરનું ઉત્પાદન અને વેચાણ
*અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના મહાદેવપુરા ગામના ખેડૂત ચૌહાણ સુરેશસિંહની પ્રાકૃતિક ખેતીની સફળતા*
*આત્મા પ્રોજેક્ટ દ્વારા મોડેલ ફાર્મનું ગૌરવ અને મહાદેવપુરાનું ખેતર હવે અરવલ્લીનું પ્રેરણાસ્થાન*
*“એક દેશી ગાય હોય તો પણ પ્રાકૃતિક ખેતીમાં સફળતા ચોક્કસ” :સુરેશભાઈએ રાસાયણિક ખેતી છોડી માટીને જીવંત કરી
આજના રાસાયણિક ખાતર અને જંતુનાશકોના અતિરેક વાળા યુગમાં પણ ગુજરાતના અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના નાનકડા ગામ મહાદેવપુરાના ખેડૂત ચૌહાણ સુરેશસિંહ સોનસિંહે પ્રાકૃતિક ખેતીના માર્ગે ચાલીને પોતાના ખેતરને હરિયાળું બનાવ્યું છે, અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ દીવાદાંડી પણ બન્યા છે.સુરેશભાઈ છેલ્લા કેટલાક વર્ષોથી સંપૂર્ણપણે રાસાયણિક ખાતર અને કીટનાશકોનો ત્યાગ કરી દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવી છે. જીવામૃત, ઘનજીવામૃત, બીજામૃત, નીમાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર જેવા પ્રાકૃતિક ઇનપુટ્સનો ઉપયોગ કરી તેઓ ધાન્ય,શાકભાજી તેમજ અન્ય પાકો લઈ રહ્યા છે અને રાસાયણિક ખેતી કરતા ખેડૂતો કરતાં વધુ ઉત્પાદન અને નફો મેળવી રહ્યા છે.
સુરેશભાઈની આ સફળતાને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારની નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ (NMNF) યોજના હેઠળ તેમને ગામે જ પ્રાકૃતિક ખેતી માટે બાયો ઈનપુટ રિસોર્સ સેન્ટર (BRC) સ્થાપવા માટે રૂ. ૧ લાખની સહાય આપવામાં આવી છે. આ સેન્ટરમાં તેઓ મોએ જીવામૃત, ઘનજીવામૃત તથા અન્ય પ્રાકૃતિક ખાતરોનું ઉત્પાદન કરી આસપાસના ખેડૂતોને વેચાણ પણ કરે છે, જેથી વધુને વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ આકર્ષિત થઈ રહ્યા છે. આ ઉપરાંત આત્મા પ્રોજેક્ટ, અરવલ્લી દ્વારા મોડેલ ફાર્મ તરીકે પણ તેમના ખેતરને પસંદ કરી વધારાની સહાય આપવામાં આવી છે.
સુરેશભાઈ કહે છે, “દેશી ગાયનું ગોબર અને ગૌમૂત્ર જ પ્રાકૃતિક ખેતીનો આધાર છે. એક દેશી ગાય પણ હોય તો ખેડૂત પ્રાકૃતિક ખેતીમાં સફળતા મેળવી શકે છે. રાસાયણિક ખેતીથી માટી મરી જાય છે, જ્યારે પ્રાકૃતિક ખેતીથી માટીની જીવંતતા વધે છે અને પાક પણ રોગમુક્ત રહે છે.”આજે સુરેશભાઈનું ખેતર અરવલ્લી જિલ્લામાં પ્રાકૃતિક ખેતીનું મોડેલ ફાર્મ બની ગયું છે. પ્રાકૃતિક રીતે ઉગાડેલ અનાજ અને શાકભાજીથી માનવ સ્વાસ્થ્ય પર થતા રાસાયણિક અસરો ઘટે છે અને કેન્સર, ડાયાબિટીસ જેવા રોગોથી બચી શકાય છે તેવું પણ તેઓ માને છે.અરવલ્લી જિલ્લાના આવા સફળ ખેડૂતો કુદરત સાથે સમન્વય સાધી ટકાઉ ખેતીનો માર્ગ બતાવી રહ્યા છે અને રાજ્યના અન્ય ખેડૂતો માટે પ્રેરણાસ્ત્રોત બની રહ્યા છે. ચૌહાણ સુરેશસિંહ જેવા ખેડૂતોની આ સફળતા ગાથા એ સાબિત કરે છે કે પ્રાકૃતિક ખેતી પર્યાવરણ સાથે ખેડૂતની આર્થિક સમૃદ્ધિ અને સમગ્ર સમાજના સ્વાસ્થ્ય માટે પણ શ્રેષ્ઠ વિકલ્પ છે.





