નવસારી કૃષિ યુનીવર્સીટી દ્વારા અંચેલી ગામે પ્રાકૃતિક ખેતીની તાલીમ યોજાઈ.
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, નવસારી તા.૦૬/૦૯/૨૦૨૫ થી તા. ૧૦/૧૦/૨૦૨૫ દરમ્યાન ટેકનોલોજી વીકની ઉજવણી કરવામાં આવી રહી છે. તેના અનુસંધાને અંચેલી ગામે પ્રાકૃતિક ખેતી ઉપર ખેડૂત શિબિરનું આયોજન કરવામાં આવેલ હતું. આ કાર્યક્રમમાં કેવિકે, નવસારીનાં વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા, ડૉ. સુમિત સાળુંખેએ પ્રાકૃતિક ખેતીનું મહત્વ અને તેની મનુષ્ય સ્વાસ્થ્ય માટે અગત્યતા વિશે માહિતી આપી. કાર્યક્રમના અધ્યક્ષસ્થાનેથી ડૉ.કે.એ.શાહે વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધે અને પ્રાકૃતિક ખેતીથી જમીનની તંદુરસ્તીની સાથે જદા જુદા કલ્ચરો કઈ રીતે બનાવવા તેના વિશે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું. આ ઉપરાંત અત્રેના કેન્દ્રના પાક સંરક્ષણ વૈજ્ઞાનિક પ્રો.કે.વી.મકવાણાએ રાસાયણિક ખેતી ઘટાડી જમીનમાં સેન્દ્રિય કાર્બન વધે તેમજ જમીન પ્રત અને બંધારણમાં ફેરફાર કરી અનુકૂળતા મુજબ પ્રાયોગિક ધોરણે પ્રાકૃતિક ખેતી તરફ આગળ ધપવા માટે આહવાન કરેલ. અંચેલી ગામના પ્રાકૃતિક ખેતી કરતાં પ્રગતિશીલ ખેડૂત દિનેશભાઈ પટેલે પ્રાકૃતિક ખેતીનાં પ્રકલ્પોને નિહાળવા માટે પોતાનાં ફાર્મની મુલાકાત લેવા અપીલ કરી હતી અને વધુમાં વધુ ખેડૂતો આ ઝુંબેશમાં જોડાય તેમ જણાવ્યું હતું. આ પ્રાકૃતિક ખેડૂત શિબિરમાં ગામના સરપંચ બેનશ્રી પ્રતિક્ષાબેન તેમજ અગ્રણીઓ શ્રી પ્રવિણભાઈ, ડૉ.વિનોદભાઈ, શ્રી ભાસ્કરભાઈ, કિરીટભાઈ વગેરે હાજર રહ્યા હતાં. કાર્યક્રમમાં ૮૦ થી વધુ ખેડૂત ભાઈ-બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ માર્ગદર્શન મેળવ્યું હતું.