વિધાનસભા અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે માવસારીના નવીન પોલીસ સ્ટેશનનું કરાયું લોકાર્પણ

વાત્સલ્યમ્ સમાચાર પ્રવિણભાઈ ચૌહાણ થરાદ બનાસકાંઠા
*સરહદ અને રણના કાંઠે આવેલા વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ*
_________
*વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરેલા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી થકી સરહદી વિસ્તારમાં શિક્ષણ ક્ષેત્રે આવ્યું અમૂલ્ય પરિવર્તન :-અધ્યક્ષશ્રી શંકરભાઈ*
__________
વિધાનસભા અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે નવીન પોલીસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. રણના કાંઠે આવેલા સરહદી વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તેમ જ સ્થાનિક લોકોને મેટ્રો સીટી જેવી અદ્યતન સુવિધા ધરાવતા પોલીસ સ્ટેશન મળી રહે તે માટે ગુજરાત સરકારે ૬૦ લાખના ખર્ચે માવસરી પોલીસ સ્ટેશન કાર્યરત કર્યું છે.
લોકાર્પણ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર અને લોક ભાગીદારીથી આપણને રાજસ્થાન અને પાકિસ્તાન સરહદ પર નવું પોલીસ સ્ટેશન મળ્યું છે. આ પોલીસ સ્ટેશન થકી આજે ફરિયાદીને પોતીકાપણું અને ગુનેગારને ડર પેદા થાય તે પ્રકારની વ્યવસ્થા પોલીસ સ્ટેશનમાં ઉભી કરાઈ છે. પોલીસ તંત્ર તહેવારોમાં પણ આપણી સાથે ખભે થી ખભો મિલાવીને પ્રજતંત્રની સેવામાં હંમેશા રહે છે. તેમણે પોલીસ જવાનોને નિયમિત યોગ અને મેડિટેશન કરવા સૂચન કર્યું હતું. રાજ્ય સરકારના પ્રયત્નોથી સરહદી વિસ્તારોમાં શ્રેષ્ઠ વિકાસના કાર્યો થયા છે.
અધ્યક્ષશ્રીએ જણાવ્યું કે, તત્કાલીન મુખ્યમંત્રી અને આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આજથી ૨૩ વર્ષ પહેલાં ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સત્તાનું સુકાન સંભાળ્યું હતું. ૨૩ વર્ષ પહેલાં શરૂ થયેલી આ વણથંભી વિકાસ યાત્રા આજે પણ અવિરત ચાલી રહી છે. મુખ્યમંત્રીના કાર્યકાળમાં તેમણે આપણા સરહદી વિસ્તારને પાણીની સમસ્યામાંથી કાયમી છુટકારો આપવા માટે નર્મદાના નીર પહોંચાડ્યા છે. આપણા બાળકોને શાળામાં પ્રવેશોત્સવથી શાળામાં પ્રવેશ અપાવી શિક્ષણ તરફ વાળ્યા છે. જેનું પરિણામ એ છે કે, આજે આપણા સરહદી વિસ્તારના બાળકો પણ સરકારી નોકરી મેળવતા થયા છે. તેમણે શરૂ કરેલી ૧૦૮ અને માં કાર્ડ આજે દેશમાં અનુકરણીય થઈ છે. જેનો લાભ દેશને મળી રહ્યો છે. ભવિષ્યમાં સરહદી વિસ્તારોમાં અનેકવિધ વિકાસના કાર્યો થવાના છે. જેમાં સરહદી ગામોને ૧૦૦ ટકા સોલાર સિસ્ટમથી સજ્જ બનાવવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે.
માવસરીના નવીન પોલીસ સ્ટેશનના લોકાર્પણ પ્રસંગે જિલ્લા પોલીસ વડાશ્રી અક્ષયરાજ મકવાણા, પૂર્વ ધારાસભ્યશ્રી માવજીભાઈ પટેલ, સ્થાનિક આગેવાનશ્રી ગુમાનસિંહ ચૌહાણ, શ્રી સ્વરૂપજી ઠાકોર, શ્રી ડી.ડી રાજપુત,શ્રી ઉમેદદાન ગઢવી, પ્રકાશ દવે સહિત મોટી સંખ્યામાં સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા.




