
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
શામળાજી ખાતે પ્રકૃતિ સંરક્ષણ મહોત્સવ: વન મંત્રીના હસ્તે પર્વત પૂજા, 1400 કિમી ‘ગ્રીન વોલ’નો સંકલ્પ
વસંત પંચમીના પવિત્ર અવસરે અરવલ્લી જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે વન વિભાગ દ્વારા ભવ્ય રીતે **‘પ્રકૃતિ સંરક્ષણ મહોત્સવ’**નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડીયાની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. મંત્રીએ પરંપરાગત વિધિથી ‘પર્વત પૂજા’ કરી પ્રકૃતિના જતન અને સંરક્ષણ માટે સૌને સંકલ્પ લેવડાવ્યો હતો.
આ પ્રસંગે વન મંત્રીએ જણાવ્યું હતું કે, વન સંસ્કૃતિએ જ માનવ સંસ્કૃતિને જન્મ આપ્યો છે. ખાસ કરીને આદિવાસી સમાજના યોગદાનને બિરદાવતાં તેમણે કહ્યું હતું કે, આદિવાસી ભાઈ-બહેનોના કારણે જ આજે પર્વતો, જંગલો અને વન્યજીવો સુરક્ષિત છે.મંત્રીએ હરિયાણાથી ગુજરાત સુધી વિસ્તરેલી અરવલ્લી પર્વતમાળામાં 1400 કિમી લાંબી ‘ગ્રીન વોલ’ બનાવવાની યોજના અંગે મહત્વપૂર્ણ માહિતી આપી હતી. આ પ્રોજેક્ટ અંતર્ગત વિશાળ પાયે વૃક્ષારોપણ કરી ગ્રીન કવર વધારવાનો ઉદ્દેશ રાખવામાં આવ્યો છે, જે ભવિષ્યમાં ક્લાઈમેટ ચેન્જ સામે લડવામાં મહત્વપૂર્ણ સાબિત થશે.કાર્યક્રમ દરમિયાન ‘એક પેડ માં કે નામ’ અભિયાન સહિત વન વિભાગના વિવિધ પર્યાવરણલક્ષી કાર્યક્રમો અંગે પણ જાણકારી આપવામાં આવી હતી. આ પ્રયાસો દ્વારા પર્યાવરણનું સંતુલન જાળવવા અને કુદરત પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.શામળાજીની પાવન ધરા પર યોજાયેલો આ પ્રકૃતિ મહોત્સવ પર્યાવરણ સંરક્ષણ માટે જનજાગૃતિ ફેલાવતો અને આવનારી પેઢી માટે હરિયાળું ભવિષ્ય ઘડવાનો સંકલ્પ મજબૂત કરતો રહ્યો.





