સજુબા ગર્લ્સ હાઇસ્કૂલમાં નવરાત્રી ઉત્સવ

*સજુબા સરકારી ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે નવરંગ નવરાત્રી મહોત્સવની ઉજવણી કરાઈ*
જામનગર તા.14 ઓક્ટોબર, યા દેવી સર્વ ભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા, નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમ: ભક્તિ, શક્તિ અને આરાધનાનો ત્રિવેણી સંગમ એટલે નવરાત્રી. ગુજરાતીઓને નવી ઉર્જા અને નવી ચેતના આપતો આ તહેવાર સજુબા સરકારી ગર્લ્સ હાઇસ્કુલ જામનગર ખાતે દીકરીઓ દ્વારા ખૂબ હોશભેર અને ધામધૂમ પૂર્વક ઉજવવામાં આવેલ. જેમાં શાળાની 700 જેટલી દિકરીઓએ સજુબા સરકારી ગર્લ્સ હાઈસ્કૂલના પટાંગણમાં નવરંગ નવરાત્રી મહોત્સવની ઉજવણી કરી રાસ ગરબાની રમઝટ બોલાવી હતી.વિદ્યાર્થીનીઓ દ્વારા માતાજીના ગરબા તેમજ દાંડિયા રાસ દ્વારા જગત જનની માં જગદંબાની આરાધના કરવામાં આવેલ. કાર્યક્રમ અંતર્ગત શાળા દ્વારા ગરબા સ્પર્ધામાં વિવિધ કેટેગરી અંતર્ગત તાળી રાસ, પંચીયા રાસ , ફ્રી સ્ટાઇલ રાસ, વેલ ડ્રેસ વગેરેમાં એક થી ત્રણ ક્રમાંક આપી દીકરીઓને ઇનામ પણ આપવામાં આવેલ અને સ્ટાફ પરિવાર દ્વારા અભિનંદન પાઠવવામાં આવેલ હતા. સમગ્ર કાર્યક્રમ માટે શાળાના આચાર્યાશ્રી બીનાબેન દવે



000000
*સજુબા સરકારી હાઈસ્કૂલની વિદ્યાર્થીની રાજ્ય કક્ષાના કલા ઉત્સવની ચિત્ર સ્પર્ધામાં જામનગર જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે*
જામનગર તા.14 ઓક્ટોબર, જી.સી.ઇ.આર.ટી.ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન જામનગર માર્ગદર્શિત તથા આયોજિત જામનગર જિલ્લા કક્ષાનો કલા ઉત્સવ ગત તા.11/10/2024ના રોજ જિલ્લા તાલીમ ભવન, દરેડ ખાતે યોજાયો હતો.કાર્યક્રમ અંતર્ગત કલા ઉત્સવમાં ”ગરવી ગુજરાત” થીમ પર ચિત્રસ્પર્ધા, બાળકવિ, સંગીત ગાયન અને સંગીત વાદન મળી કુલ ૪ સ્પર્ધાઓ યોજવામાં આવી હતી. જેમાં જામનગર જિલ્લા કક્ષાની સ્પર્ધામાં સજુબા સરકારી ગર્લ્સ હાઈસ્કૂલની માધ્યમિક વિભાગમાં ચિત્ર સ્પર્ધામાં ધો.9 ની વિદ્યાર્થીની અકશા અકીલભાઈ તરીયા સમગ્ર જિલ્લામાં પ્રથમ રહી હતી. જે વિદ્યાર્થીની હવે આગામી સમયમાં રાજ્યકક્ષાની ચિત્ર સ્પર્ધામાં જામનગર જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે.ઉપરાંત ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં હળવું કંઠય, સુગમ સંગીત (લોકગીત )અંતર્ગત ધોરણ 12ની વિદ્યાર્થીની પેશાવરીયા મહેક કૈલાશભાઈએ પણ દ્વિતીય ક્રમ પ્રાપ્ત કરી શાળાનું ગૌરવ વધારેલ છે.કાર્યક્રમ અંતર્ગત વિજેતા સ્પર્ધકોને રોકડ પુરસ્કાર, પ્રમાણપત્ર અને શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતાં.આ વિદ્યાર્થીનીઓએ ઉત્કૃષ્ટ દેખાવ કરીને પ્રાપ્ત કરેલ સિદ્ધિ બદલ શાળાનાં આચાર્યા ડૉ. બી.એન.દવે તેમજ સમગ્ર શાળા પરિવારે અભિનંદન પાઠવ્યા હતા.
000000




