ભરૂચના કેમિકલ એન્જિનિયર સારું વળતર મેળવવાની લાલચમાં 1.05 કરોડ ગુમાવી દીધાં
સમીર પટેલ, ભરૂચ
ભરૂચના ઝાડેશ્વર રોડ પર આવેલાં અક્ષત બંગ્લોઝમાં રહેતાં અને ગંધારની ગેઇલ ઇન્ડિયા કંપનીમાં કેમિકલ એન્જિનિયર તરીકે ફરજ બજાવતાં પંકજ પ્રફુલ જાલાને સોશિયલ મીડિયામાં રીલ્સ જોતી વેળાં મોતીલાલ ઓસ્વાલ નામની કંપનીના ગૃપમાં જોડાઇને શેરમાર્કેટમાં સારૂ વળતર મેળવવા બાબતી જાહેરાત જોવા મળી હતી.જેના આધારે તેઓ એક સોશિયલ મીડિયા ગ્રુપમાં જોડાયા હતાં. જેમાં શેર ખરીદ વેચાણ માટેના ટીપ્સના મેજેસ આવતાં હતાં.તેમણે ગ્રુપની વિગતો જોતાં પ્રોફેસર રામદીઓ અગ્રવાલ સ્ટોક એક્સચેન્જ ક્લબનું હોવાનું જણાયું હતું. જેમાં વધુ માહિતી માટી ગ્રુપની આસિસ્ટન્ટ આન્ય સ્મીથ સાથે મેસજ પર ચેટ થયાં હતાં. જે બાદ વિવિધ એપ્લિકેશન ડાઉનલોડ કરાવવા સાથે અલગ અલગ રીતે રજીસ્ટ્રેશન કરાવવા સાથે તેમને ભોળવ્યાં હતાં. જે બાદ તેમણે તેમને મળતી ટીપ્સના આધારે થોડા શેર લે-વેચ કરતાં તેમને સારો ફાયદો થયો હતો. જેબાદ તેમને બીજા આઇપીઓ સહિત અન્ય રીતે તબક્કાવાર રીતે તેમને ઓનલાઇન રૂપિયા ટ્રાન્સફર કરાવી કુલ 1.05 કરોડની ઠગાઇ કરી હતી. ઓનલાઇન રૂપિયા ટ્રાન્સફર કરવા માટે તેમણે પોતાના મ્યુચ્યુલ ફંડના રૂપિયા, પર્સનલ લોન તેમજ ક્રેડિટ કાર્ડ લોન લઇને તથા સગા સબંધીઓ પાસેથી ઉછીના રૂપિયા લઇને ભર્યાં હતાં તેમની સાથે ઠગાઇ થઇ હોાવનું માલુમ પડતાં આખરે તેમણે ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ઉલ્લેખનીય છે કે, બે દિવસ પહેલાં જ ભરૂચ પોલીસે મુંબઇના વ્યવસાયી સાથે 5 કરોડની ઠગાઇના ગુનામાં કોન્ટ્રાકટરના પુત્ર સહિત 5 આરોપીઓની ધરપકડ કરી હતી.