Rajkot: મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા દ્વારા જસદણ-વિંછિયાને નવરાત્રિ ભેટઃ રૂ.૧૦૯૫ લાખના કામોનાં લોકાર્પણ-ખાતમુહૂર્ત કરાયાં
તા.૨૭/૯/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
રૂ. ૫૪૦ લાખના ખર્ચે નિર્મિત વીરનગર-નાની લાખાવડ રોડ મંત્રી શ્રી કુંવરજીભાઈએ જાહેરજનતા માટે ખુલ્લો મુક્યો
મંત્રીશ્રી દ્વારા બોક્સ કલવર્ટ, રોડ સહિતનાં ત્રણ કામોનાં ખાતમુહૂર્ત કરાયાં
ગ્રામીણ વિસ્તારમાં પાક્કી સડક સહિતની સુવિધા માટે ગુજરાત સરકાર પ્રતિબદ્ધઃ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા
Rajkot: રાજ્યના જળસંપત્તિ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાએ આજે જસદણ તથા વિંછિયા તાલુકામાં રૂપિયા ૧૦૯૫ લાખના રોડ, બોક્સ કલવર્ટ સહિતનાં વિકાસ કામોનાં લોકાર્પણ-ખાતમુહૂર્ત કરીને નાગરિકોને નવરાત્રિની વિશેષ ભેટ આપી હતી. આ તકે મંત્રીશ્રીએ ગ્રામીણ વિસ્તારમાં પાક્કી સડક સહિતની વિવિધ સુવિધા માટે ગુજરાત સરકાર પ્રતિબદ્ધ હોવાની ખાતરી આપી હતી.
મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાએ આજે બપોરે જસદણ તાલુકાના વીરનગરમાં રૂ. ૫૪૦ લાખના ખર્ચે નિર્મિત વીરનગર-નાની લાખાવડ રોડનું લોકાર્પણ કર્યું હતું. આ માર્ગમાં આવતા ત્રણ કોઝ વેનાં કામો, નાળા-પાઈપના કામોને પણ આવરી લેવામાં આવ્યા છે. જેનાથી નાગરિકોને વધુ એક પાક્કી સડકની સુવિધા ઉપલબ્ધ થઈ છે. આ રોડથી પરિવહન વધુ સરળ બનશે.
મંત્રી શ્રી કુંવરજીભાઈએ સવારે શિવરાજપુર ગામ ખાતે લાલકાવાવ રોડના રિસર્ફેસિંગના કામનું ખાતમુહૂર્ત કર્યું હતું. રૂપિયા ૨૦૦ લાખના ખર્ચે આ રોડને થ્રી લેયરમાં રિસરફેસ કરવામાં આવશે. આ રસ્તાનું નિર્માણ થતાં આજુબાજુ વિસ્તારના લોકોને અવરજવરમાં સરળતા અને ઉત્તમ રોડની સુવિધા પ્રાપ્ત થશે.
બાદમાં મંત્રીશ્રીએ વિંછિયા તાલુકાના ફુલઝર ગામે લાલાવદર ફુલઝર રોડ પર બોક્સ કલવર્ટના નિર્માણના કામનું ખાતમુહૂર્ત કર્યું હતું. રૂ. ૧૫૫ લાખના ખર્ચે અહીં બોક્સ કલવર્ટ બનતાં નાગરિકોને ચોમાસામાં પડતી હાલાકીનો અંત આવશે.
મંત્રીશ્રીએ બપોર પછી જસદણ નાની લાખાવડ કોઠી રોડ પર ખારી બ્રિજનું ખાતમુહૂર્ત કર્યું હતું. અહીં રૂ. ૨૦૦ લાખના ખર્ચે સ્લેબ ડ્રેઈનેજ બનાવવામાં આવશે.
આ દરમિયાન મંત્રીશ્રીએ નાગરિકોને સંબોધન કરીને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર દ્વારા પ્રજાની સુખાકારી માટે લેવાઈ રહેલા વિવિધ પગલાંઓની માહિતી આપી હતી. આ સાથે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આત્મનિર્ભર ભારત માટે સ્વદેશી અપનાવવા કરેલી અપીલને અનુસરતા, સૌને સ્વદેશી વસ્તુઓનો જ ઉપયોગ કરવા આગ્રહ કર્યો હતો. ખાસ કરીને દિવાળી નજીક આવી રહી છે, ત્યારે વોકલ ફોર લોકલને પ્રોત્સાહન આપવા સ્થાનિક લોકોને રોજગારી મળે તે હેતુથી સ્થાનિક વેપારીઓ પાસેથી વસ્તુઓ ખરીદવા અપીલ કરી હતી. નાગરિકોના હિત માટે સરકાર સતત સક્રિય હોવાની ખાતરી પણ આપી હતી. આ દરમિયાન મંત્રીશ્રીએ ગ્રામજનો સાથે સંવાદ કરીને તેમના પ્રશ્નો જાણીને તત્કાલ નિકાલની ખાતરી પણ આપી હતી.