GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: અતિથિઓએ એગ્રો પ્રોડક્ટ, ટેકસ ટાઇલ્સ, હેન્ડી ક્રાફટ, વિજ્ઞાન મેળાનું પ્રદર્શન નિહાળ્યું : કુલ ૪૦ સ્પર્ધાઓમાં ૧૧૫૦ વિદ્યાર્થીઓ ભાગ લેશે

તા.૬/૧૨/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અને રાજકોટ જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે હેમુગઢવી હોલ ખાતે આયોજિત રાજ્યકક્ષા યુવા ઉત્સવ – ૨૦૨૪નો શુભારંભ મેયરશ્રી નયનાબેન પેઢડીયાના હસ્તે કરાયો હતો. ઉલ્લેખનીય છે કે આ ત્રિદિવસીય યુવા ઉત્સવમાં કુલ ૪૦ સ્પર્ધાઓમાં ઝોનકક્ષાએ પ્રથમ ક્રમ અને દ્વિતિય ક્રમે વિજેતા થયેલા કુલ ૧૧૫૦ કલાકારો ભાગ લઈ રહ્યા છે.

આ તકે રાજકોટ શહેરના પ્રથમ નાગરિકશ્રી નયનાબેન પેઢડીયાએ જણાવ્યું હતું કે અહીં દુહા, છંદ, લોકગીત, લોકનૃત્ય જેવી અનેક કલાઓના કલાકારોને મંચ પ્રાપ્ત થનારું છે. યુવા ઉત્સવ વિસરાતી જતી કળાઓને જીવંત રાખવા તથા વિદ્યાર્થીઓમાં રહેલા સુષુપ્ત કૌશલ્યને ઉજાગર કરવાનું માધ્યમ બન્યો છે. ગુજરાત સરકાર ખેલ મહાકુંભ, કલા મહાકુંભ, યુવા મહોત્સવ જેવા અનેક પ્રકલ્પો થકી યુવા પ્રતિભાની કલા અને આવડતને પ્રોત્સાહન આપે છે. રાજ્યભરમાંથી ભાગ લેવા આવેલા સ્પર્ધકો ઉત્કૃષ્ટ દેખાવ કરીને રાષ્ટ્રકક્ષાએ વિજેતા બને, તેવી શુભેચ્છા છે. સાથેસાથે સ્પર્ધકો અટલ સરોવર, પ્રદ્યુમ્ન પાર્ક જેવા ફરવાલાયક સ્થળોની મુલાકાત લે, તેવો અનુરોધ છે.

આ પ્રસંગે મહેમાનોનું ઢોલનગારાંના નાદ સાથે સ્વાગત કરાયું હતું. કાર્યક્રમનો આરંભ દીપ પ્રાગટ્યથી કરાયા બાદ પુષ્પગુચ્છ અને સ્મૃતિભેટથી મહેમાનોનું અભિવાદન કરાયું હતું. રાજકોટ જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી હિતેશભાઈ દિહોરાએ સ્વાગત પ્રવચન કર્યું હતું. શ્રી પરેશભાઈ વડગામાએ કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. અતિથિઓએ એગ્રો પ્રોડક્ટ, ટેકસ ટાઇલ્સ, હેન્ડી ક્રાફટ, વિજ્ઞાન મેળાનું રીબીન કટ કરીને ઉદ્ઘાટન કરીને પ્રદર્શન નિહાળ્યું હતું.

આ કાર્યક્રમમાં પ્રાંત અધિકારીશ્રી મહેકબેન જૈન, રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારીશ્રી દીક્ષિતભાઈ પટેલ, સુરેન્દ્રનગર જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી ભરતસિંહ ગોહિલ, જામનગર જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી મોહસીન ખાન પઠાણ, ગીર સોમનાથ જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી હરેશભાઈ મકવાણા, ભરૂચ જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી મીતાબેન ગવલી સહિતના અધિકારીઓ, કર્મચારીઓ, શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

Back to top button
error: Content is protected !!