GUJARATNAVSARINAVSARI CITY / TALUKO

Navsari: નવસારી જિલ્લામાં સરકારી કચેરીઓના ૨૦૦ મીટરની હદમાં જાહેરમાં ધરણા- ઉપવાસ કરવા પર પ્રતિબંધ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

ગુજરાત રાજયમાં ઠેર ઠેર ગેરકાયદેસર મંડળી રચી ધરણા/ઉપવાસ પર બિનપરવાનગીથી બેસવાની ઘટનાઓ વારંવાર બનવા પામે છે. નવસારી જિલ્લામાં પણ નાગરિકો પોતાની માંગણી, રજૂઆત તરફ ધ્યાન ખેંચવા માટે અથવા તો ચોકકસ ઇરાદાથી જિલ્લા સેવા સદનના પ્રાંગણ અને પ્રાંગણને અડીને પસાર થતા સંકળાયેલ મુખ્ય રોડ ઉપર પ્રતિક ઉપવાસ, આમરણાંત ઉપવાસ અને ભુખ હડતાલનું ઓચિંતુ અને મનસ્વી આયોજન કરી કચેરીમાં તેમજ જાહેરમાર્ગો પર બાધા સર્જે છે. જેના પરિણામે કચેરીમાં આવતા અરજદારો અને સામાન્ય જનતા માટે દુવિધા સર્જાય છે. નવસારી જિલ્લામાં જાહેર સુલેહશાંતિ અને સલામતિને હાનિ ન પહોચે અને લોકોમાં સંવાદિતા જળવાય તે હેતુસર નવસારી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી વાય.બી.ઝાલાએ એક જાહેરનામાં દ્વારા મળેલી સત્તાની રૂએ નવસારી કલેકટર અને મેજીસ્ટ્રેટની કચેરી, જિલ્લાની તમામ પ્રાંત કચેરીઓ તથા નવસારી જિલ્લા પંચાયત, પોલીસ અધિક્ષકશ્રી કચેરી, નવસારી તથા પોલીસ સ્ટેશનના કંપાઉન્ડ તથા તાલુકા ખાતે આવેલી તાલુકા મામલતદારશ્રીની કચેરી, તાલુકા વિકાસ અધિકારીશ્રીની કચેરી, પોલીસ સ્ટેશનના કંપાઉન્ડ તેમજ કંપાઉન્ડ બહારની ૨૦૦ મીટરની ત્રિજયાના હદ વિસ્તારમાં પ્રતિક ઉપવાસ, આમરણાંત ઉપવાસ અને ધરણા/ભુખ હડતાલ ઉપર બેસવા કે ચાર કરતા વધુ માણસો ભેગા થવા સભા/સરઘસ કરવા પર તા.૨૨/૦૧/૨૦૨૫ થી તા.૦૫/૦૨/૨૦૨૫ સુધી પ્રતિબંધ ફરમાવ્યો છે. આ હુકમનો ભંગ કે ઉલ્લંઘન કરનાર સજાને પાત્ર થશે. આ હુકમ જે વ્યકિત સરકારી નોકરીમાં અથવા કામગીરીમાં હોય, ફરજ પર તથા મરણોત્તર તેમજ લગ્ન અંગેના સરઘસને લાગુ પડશે નહિ.

Back to top button
error: Content is protected !!