નવસારી:”ઓપરેશન સાયબર સ્ટોર્મ” હેઠળ પોલીસની કાર્યવાહી નવસારી પોલીસે રૂ. 3 કરોડની ઠગાઈનો પર્દાફાશ કર્યો

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
નવસારી જિલ્લા પોલીસે વધતી ગુનાખોરીને નામનેસ્ત કરવા એક મોટું અભિયાન હાથ ધર્યો છે, જેને “ઓપરેશન સાયબર સ્ટોર્મ” નામ આપવામાં આવ્યું છે. આ કાર્યવાહી ગુજરાતના સુરત, ભરૂચ, ભાવનગર, રાજકોટ, અમદાવાદ તેમજ રાજસ્થાનના જયપુર અને મહારાષ્ટ્રના મુંબઈ સહિત કુલ 7 જિલ્લાઓમાં કરવામાં આવી હતી. આ અભિયાન માટે નવસારી પોલીસે કુલ 9 ટીમો બનાવી હતી. આ ઓપરેશન સાયબર સ્ટોર્મ ટીમના ખાસ ઓપરેશન મા પોલીસ ઇન્સ્પેક્ટર અને સબ ઇન્સ્પેક્ટર રેન્કના અધિકારીઓ અને એસ.ઓ.જી. તેમજ એલ.સી.બી. સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન અને સ્થાનિક પોલીસ સ્ટેશનોના અધિકારીઓને સામેલ કરવામાં આવ્યા હતાં આ ઓપરેશન અંતર્ગત નવસારી જિલ્લાના જુદા જુદા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા નાણાકીય છેતરપિંડીના કુલ 10 ગુન્હાઓમાં સંડોવાયેલા 35 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ આરોપીઓ ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્રના જુદા જુદા જિલ્લાઓમાંથી ઝડપી પાડ્યા છે.
“ઓપરેશન સાયબર સ્ટોર્મ” દરમિયાન 5 મુખ્ય પ્રકારની સાયબર ઠગાઈની મોડસ ઓપરેન્ડી સામે આવી છે. જેમાં ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ, ફેસબુક આઈ.ડી. ફ્રોડ, શેર માર્કેટ ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ, ઑનલાઇન ટ્રેડિંગ ફ્રોડ, ખેતીવાડી લેણદેણી સંકળાયેલા ફ્રોડ સહિત કેટલાક અન્ય પ્રકારના ઇલેક્ટ્રોનિક ચીટિંગના કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે. આ ઓપરેશનમાં કુલ રૂ. 3 કરોડ 1 લાખ 35 હજારથી વધુની છેતરપિંડીનો પર્દાફાશ થયો છે. તમામ આરોપીઓ સામે કોર્ટે રિમાન્ડ મંજૂર કર્યા છે અને હાલ રિમાન્ડ પ્રક્રિયા ચાલી રહી છે.
આરોપીઓની પૂછપરછના આધારે, અત્યાર સુધીમાં 10 જેટલા આરોપીઓને નાસતા ફરતા જાહેર કરવામાં આવ્યા છે, જેમની ધરપકડ માટે પણ તીવ્ર પગલાં લેવામાં આવી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, નવસારી પોલીસે “ઓપરેશન સાયબર સ્ટોર્મ” દ્વારા સાયબર ગુના ખોરી અટકાવવા સરાહનીય કદમ ઉઠાવ્યું છે.



