GUJARATNAVSARINAVSARI CITY / TALUKO

નવસારી, ડાંગ, તાપી અને સુરત જિલ્લાના ૩૦૦ કલાકારોએ ૧૬ જેટલી સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી લોકોનો ઉત્સાહ વધાર્યો

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

*નવસારી જિલ્લાના વિવિધ કલાકારોએ રજૂ કરેલા સાંસ્કૃતિક કાર્યક્રમોએ ‘આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ’નો રંગ જમાવ્યો*

નવસારી,તા.૦૮: ગુજરાત રાજ્યના આદિવાસીઓ હોળી સહિતના તહેવારો, અને વિવિધ પ્રસંગોએ દેવી દેવતાને રીઝવવા અને સંસ્કૃતિના ભાગરૂપે પોતાની ઢબે આદિવાસી નૃત્ય કરતા હોય છે. આદિવાસી નૃત્ય મનમોહક હોય છે. આ મનમોહક નૃત્યએ આજના આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના સમગ્ર કાર્યક્રમને ઉર્જાવાન બનાવ્યો હતો. નવસારી જિલ્લો પોતાની અનોખી બાબતો માટે સમગ્ર રાજ્યમાં પ્રખ્યાત છે. ત્યારે ‘આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ’ની ઉજવણી પ્રસંગે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલને આવકારવા નવસારી જિલ્લા તંત્ર દ્વારા ખાસ સાંસ્કૃતિક નૃત્યોનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ ઉપરાંત નવસારી, ડાંગ, તાપી અને સુરત જિલ્લાના ૩૦૦ કલાકરો દ્વારા કાર્યક્રમના સ્થળે પણ ૧૬ જેટલા સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ કરી નાગરિકોને મનોરંજન આપ્યું હતું. આ ૧૬ કૃતિઓમાં તુળજા ભવાની ગૃપો નવસારી દ્વારા ગણેશ વંદના લેઝીમ ડાંસ(મરાઠી), બાલજી નવયુવક રાસ મંડળ, સરી બુજરંગ નવસારી દ્વારા મણીયારો રાસ(વ્હાલા સંદેશો..), કર્મશુ આર્ટસ, સુરત દ્વારા હર હર શંભુ ગીત ઉપર નૃત્ય, નુપુર સાજ સ્કુલ ઓફ પરફોર્મિંગ આર્ટસ, નવસારી દ્વારા ઝુમે ગોરી રીમીક્સ રાસ( ગુજરાતી કલ્ચરલ), બજરંગી ધર્મેશભાઇ એન્ડ ગૃપ, નવસારી દ્વારા ઘેરીયા લોક નૃત્ય, પ્રગતિ યુવક મંડળ, ધવલીદોડ, ડાંગ દ્વારા ડાંગી લોકનૃત્ય, આરતી ભટ્ટ ડાન્સ ગૃપ, સુરત દ્વારા ઘૂમર ઘૂમે છે-રાજસ્થાની અને બોલીવુડ સોંગ, સપ્તધ્વની કલાવૃંદ અને સંગીત વર્ગ દ્વારા દુધે તે ભરી તલાવડી-ગરબો, શિવમ એજ્યુકેશન એન્ડ જનસેવા ટ્રસ્ટ, વાંસદા નવસારી દ્વારા તૂર નૃત્ય, નુપુર સાજ સ્કૂલ ઓફ પર્ફોર્મિંગ આર્ટસ નવસારી દ્વારા રણછોડ રંગીલા-રીમીક્ષ, આદિવાસી કલા સાંસ્કૃતિક મંડળ, ધામોદલા, વાલોડ, તાપી દ્વારા ડોવડા નૃત્ય, કાઠિયાવાડી બોયઝ સુરત ગૃપ દ્વારા ગોતીલો ગોતીલો-રીમીક્ષ, આરતી ભટ્ટ ડાન્સ ગૃપ, સુરત દ્વારા ઢોલી તારો ઢોલ-રીમીક્ષ, એસ.પી.બોર્ન ટુ વિન ડાન્સ કંપની, સુરત દ્વારા બોલીવુડ ડાન્સ રીમીક્ષ-દેશ ભક્તિ ગીત, આદિવાસી સર્વાંગી વિકાસ સંઘ, વાઝરડા, તાપી દ્વારા ગામીત નૃત્ય, જેઝ મ્યુઝિક ગૃપ દ્વારા દેશભક્તિ ગીતો રજુ કરવામાં આવ્યા હતા.

આ તમામ કાર્યક્રમોમાં ઢોલ નગારાના નાદે સમગ્ર માહોલ ખુશનુમા બનાવવાની સાથે ‘આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ’નો ભારે રંગ જામ્યો હતો. કાર્યક્રમના સ્થળે વિવિધ ડોમમાં યજમાન સ્થાનિક નાગરિકો પણ આદિવાસી સંગીતના તાલે ઝુમી ઉઠયા હતા. સમગ્ર સાંસ્કૃતિક કાર્યક્રમનું સંચાલન જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી નવસારી દ્વારા જિલ્લા શિક્ષણાધિકારીશ્રી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.

Back to top button
error: Content is protected !!