નવસારી જિલ્લામાં વરસાદ ધીમો થતા જ હંગામી ધોરણે રોડ રસ્તા રીપેરીંગની કામગીરી હાથ ધરાઇ
વાત્સલ્યમ્ સમાચાર
મદન વૈષ્ણવ
*રાજ્ય ધોરીમાર્ગો, અન્ય જિલ્લા માર્ગો, કોસ્ટલ હાઈવે, કોર નેટવર્ક રસ્તાઓ વગેરેનો સર્વે કરી રસ્તાઓ પર મરામતનું કાર્ય તાત્કાલિક શરૂ કરાયું*
નવસારી જિલ્લામાં સતત વરસાદના કારણે રસ્તાઓને થયેલ નુકસાનને ધ્યાને લઈ તાજેતરમાં વરસાદ બંધ થતા કાર્યપાલક ઈજનેરશ્રી, માર્ગ અને મકાન વિભાગ(રાજ્ય), નવસારી દ્વારા દ્વારા તાત્કાલિક રીતે રોડ મરામતના કામની શરૂઆત કરવામાં આવી છે. જિલ્લાના મુખ્ય અને આંતરગામ રસ્તાઓના મરામતના કાર્ય માટે PWD અને સ્થાનિક તંત્ર દ્વારા ખાસ ટીમો રચી કામગીરી યુધ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે.
નવસારી જિલ્લાના માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય), નવસારી હસ્તક આવેલ રાજ્ય ધોરીમાર્ગો, અન્ય જિલ્લા માર્ગો, કોસ્ટલ હાઈવે, કોર નેટવર્ક રસ્તાઓ વગેરેનો સર્વે કરી અતિ મહત્વના રસ્તાઓ જેવા કે નવસારી ગણદેવી રોડ, ગણદેવી દેસાડ આલીપોર રોડ, એરુ ઇટાળવા સિસોદ્રા રોડ, એરુ ચાર રસ્તા હાંસાપોર અબ્રામા અમલસાડ રોડ, ચીખલી ખેરગામ ધરમપુર રોડ, સણવલ્લા ટાંકલ રાનકુવા રૂમલા કરંજવેરી રોડ તથા અન્ય રસ્તાઓ પર મરામતનું કાર્ય તાત્કાલિક શરૂ કરીને ટ્રાફિક સરળ બને, લોકોની અવરજવર સુરક્ષિત બને તથા લોકોને આરામદાયક મુસાફરી સુનિશ્ચિત થાય તે હેતુથી મરામત કામગીરી કરવામાં આવી રહી છે. પ્રથમ તબક્કામાં નવસારી શહેર, જલાલપોર, ચીખલી, ખેરગામ, વાંસદા અને ગણદેવી તાલુકાઓના વધુ નુકસાનગ્રસ્ત વિસ્તારોમાં યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી છે.