Rajkot: રાજકોટ શહેર કક્ષાની “પ્રતિભા શોધ સ્પર્ધા”નો શુભારંભ: અંદાજિત ૪૫૦ થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો
તા.૯/૯/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગુજરાત રાજય સંગીત નાટક અકાદમી-ગાંધીનગર અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી અને જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી, રાજકોટ શહેર દ્વારા રાજકોટના હેમુ ગઢવી હોલ ખાતે શહેર કક્ષાની “પ્રતિભા શોધ સ્પર્ધા” કાર્યક્રમનો દિપ પ્રાગટ્ય વડે શુભારંભ કરવામાં આવ્યો હતો.
આજરોજ યોજાયેલા રાજકોટ શહેરકક્ષા બાળ પ્રતિભા શોધ સ્પર્ધા કાર્યક્રમ લોક નૃત્ય, સમુહગીત તથા લોકવાદ્ય સંગીતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ સ્પર્ધકોએ અવનવા લોકગીતો પર ઉપસ્થિતોને મન મુકીને ડોલાવ્યા હતા. લોકનૃત્યમાં ૧૦૦ થી વધુ સ્પર્ધકો, ભરતનાટ્યમમાં ૪૦ થી વધુ તથા ઓડીસી નૃત્યમાં ૮ સ્પર્ધકોએ ભાગ લીધો હતો.
આવતી કાલે લગ્નગીત, લોકવાર્તા અને દોહા-છંદ-ચોપાઇનો કાર્યક્રમ યોજાશે તથા આગામી ૧૧/૦૯/૨૦૨૪ ના રોજ એકપાત્રીય અભિનય, લોકગીત, ભજન અને વકતૃત્વ સ્પર્ધા સહિતના કાર્યક્રમો યોજાશે. જ્યારે બાલ ભવન, રેસકોર્ષ, રાજકોટ ખાતે ચિત્રકલા, સર્જનાત્મક કારીગરી અને નિબંધ સ્પર્ધા યોજાશે.