વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી
નવસારી જિલ્લામાં સ્વાતંત્ર્ય પર્વ ૧૫મી ઓગષ્ટ-૨૦૨૪ની ઉજવણીના ભાગરૂપે જિલ્લા કક્ષાના કાર્યક્રમની પૂર્વતૈયારીઓની સમીક્ષા અર્થે જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષસ્થાને તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રી પુષ્પલતા સહિત ઉચ્ચ અધિકારી કર્મચારીઓની ઉપસ્થિતીમાં બેઠક યોજાઈ હતી. આ વર્ષે ૧૫ મી ઓગષ્ટની જિલ્લા કક્ષાની ઉજવણી નવસારી તાલુકાના સાંઇ ગરબા ગ્રાઉન્ડ ખાતે યોજાશે. નવસારી જિલ્લામાં ૧૫ મી ઓગસ્ટનો કાર્યક્રમ સુચારૂ અને આયોજનબદ્ધ રીતે ઉજવાય તે માટે કલેક્ટરશ્રીએ તમામ વિભાગના અધિકારીઓને સોંપાયેલી જવાબદારી જોવા, કાર્યક્રમની વ્યવસ્થા અને પ્રોટોકોલ જળવાઈ રહે તે બાબતે જરૂરી ચર્ચાઓ કરી હતી. ૧૫મી ઓગષ્ટના દિવસે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો, જિલ્લામાં આવનારા મહેમાનો, પોલીસ બંદોબસ્ત, આમંત્રણ કાર્ડ, કાર્યક્રમ દરમિયાન વીજપુરવઠો,મંડપ અને સ્ટેજની વ્યવસ્થા, સરકારી કચેરીઓ ખાતે રોશની કરવા જેવી તમામ કામગીરી અંગે વિગતવાર ચર્ચા કરી જરૂરી માર્ગદર્શન પુરૂં પાડ્યું હતું. આ સાથે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ હોવાથી ફકત નવસારી શહેરના નહી સમગ્ર જિલ્લામાંથી નાગરિકો ઉત્સાહભેર રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં સહભાગી થાય તેવું આયોજન કરવા જણાવ્યું હતું. અંતે કલેક્ટરશ્રીએ કાર્યક્રમમાં સન્માનિત કરનાર વિશિષ્ટ વ્યક્તિઓની યાદીમાં સરકારી કર્મચારીઓ અંગે માર્ગદર્શન આપતા ઉમેર્યું હતું કે, ‘સમાજના લોકોનું સન્માન કરવુ જેટલુ જરૂરી છે તેટલુ જ જરૂરી આપણા કર્મચારીઓની કામગીરીને બિરદાવવી પણ જરૂરી છે.’ કલેક્ટરશ્રીએ વિશિષ્ટ કામગીરી માટે કર્મચારીઓને સન્માનિત કરવા નામો રજુ કરવા વિવિધ અધિકારીઓને જણાવ્યું હતું. આ બેઠકમાં જિલ્લા પોલીસવડા સુશિલ અગ્રવાલ સહિત વિવિધ ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લાકક્ષા ઉપરાંત તમામ તાલુકા કક્ષાએ પણ વિવિધ મહાનુભાવોની ઉપસ્થિતીમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવશે.