નવસારી: જળ સંચય જન ભાગીદારી અભિયાન અન્વયે વેસ્ટન ઝોનમાં નવસારી જિલ્લાએ સાતમું સ્થાન પ્રાપ્ત કર્યું

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
નવસારી, તા. ૨૦ નવેમ્બર: “જળ સંચય જન ભાગીદારી” અભિયાન અન્વયે નવસારી જિલ્લાએ વધુ એક રાષ્ટ્રીય સિદ્ધિ હાંસલ કરી છે. કેન્દ્ર સરકારના જળ શક્તિ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા ‘રાષ્ટ્રીય જળ પુરસ્કાર -2025’માં વેસ્ટર્ન ઝોનમાં નવસારી જિલ્લાએ સાતમું સ્થાન પ્રાપ્ત કર્યું છે. ભારતના મહામહિમ રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુના હસ્તે તેમજ કેન્દ્રીય જળ શક્તિ મંત્રી શ્રી સી. આર. પાટીલની વિશેષ ઉપસ્થિતિમાં તા.૧૮/૧૧/૨૦૨૫ના રોજ મંગળવારે નવી દિલ્હી ખાતે આયોજિત કાર્યક્રમમાં નવસારી જિલ્લાને આ સિદ્ધિ બદલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. જે જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી પુષ્પ લતા દ્વારા જિલ્લા વહીવટી તંત્ર, નવસારી વતી નવી દિલ્હી ખાતે આ એવોર્ડ સ્વીકાર્યો હતો.
જિલ્લામાં “જળ સંચય જન ભાગીદારી” તળે જળ સંચાલન ક્ષેત્રે કરેલા ટકાઉ, નવીન અને જન ભાગીદારી થકીના પ્રયત્નોને પરિણામે આ પુરસ્કાર પ્રાપ્ત થયો છે. જેમાં નવસારી જિલ્લાના સરકારી વિભાગો જેમ કે, ગ્રામ વિકાસની મનરેગા યોજના, જિલ્લા પંચાયત હસ્તક ૧૫મુ નાણાં પંચ અને સ્વ ભંડોળ, સિંચાઈ વિભાગના રાજય પ્લાન બજેટ, નવસારી મહાનગર પાલિકા, પ્રધાન મંત્રી કૃષિ સિંચાઈ યોજના, ડીસ્ટ્રીકટ મિનરલ ફંડ, નવસારી શહેરી વિકાસ સત્તામંડળ, સ્ટેમ્પ ડયુટી ફંડ અને MP / MLA Local Area Development Scheme(LADS) વિગેરે સરકારી યોજનાઓના ભંડોળ તથા સ્થાનિક જન ભાગીદારી થકી સરકારી બિલ્ડીંગો પર રૂફ ટોપ રેઇન વોટર હાર્વેસ્ટિંગ, કુવા/બોર વેલ રીચાર્જ, સોક પીટ, ડાયરેક્ટ ઇન્જેક્શન વેલ, ચેક ડેમ, વેસ્ટ વિયર, ગલી પ્લગ, પરકોલેશન પીટ, કન્ટુર ટ્રેન્ચ વિગેરે મળી આશરે કુલ – ૯૬૯૫ સ્ટ્રક્ચરો બનાવવામાં આવ્યા. પરિણામે, ગ્રામ્ય કક્ષાએ ભૂગર્ભ જળ ઊંચા આવ્યા જેથી ખેડૂતોને સિંચાઈની સુવિધા માટે પાણીની ઉપલબ્ધિમાં વધારો થયો તેમજ પાણીમાં TDSના પ્રમાણમાં પણ નોંધપાત્ર ઘટાડો થવાથી લોકોને પીવા માટે સારા પાણીની ઉપલબ્ધિ થઇ શકી છે.
આવનાર વર્ષમાં નદી / કોતરને પુનઃ જીવિત કરવા માટે પ્રોજેક્ટ(River Rejuvenation Project) નવસારી જિલ્લાના ૩ તાલુકાઓ ચીખલી, ખેરગામ અને વાંસદામાં નદીનો પટ ધરાવતા કુલ – ૨૨ ગામોમાં કુલ – ૧૬૪.૩૩ કિ.મી. લંબાઈના કુલ – ૧૦૦૨૯ કેચમેન્ટ વિસ્તારમાં જમીન અને જળ સંરક્ષણની કામગીરીનો પ્રોજેક્ટ હાલ પ્રગતિ હેઠળ છે. જે જિલ્લાની પ્રજા માટે ફળદાયી નીવડશે.




