નવસારી પ્રભારી મંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને વર્ષ ૨૦૨૬-૨૭ ના આગોતરા આયોજનને બહાલી અપાઈ..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

*સમયમર્યાદામાં ગુણવત્તાયુક્ત કામો પૂર્ણ કરવા અમલીકરણ અધિકારીઓને પ્રભારી મંત્રીશ્રીની તાકીદ*
નવસારી જિલ્લાના પ્રજાહિતના પાયાકીય વિકાસ કામોને વેગ આપવા અને વર્ષ ૨૦૨૬-૨૭ ના નવા આયોજનને મંજૂરી આપવા માટે જિલ્લા પ્રભારી મંત્રી અને રાજ્યના નાણાં, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને જિલ્લા સેવા સદન ખાતે આયોજન બેઠક યોજાઈ હતી. નવસારી કલેક્ટર કચેરીના “પૂર્ણા ખંડ” ખાતે આયોજિત આ બેઠકમાં જિલ્લાના વર્ષ ૨૦૨૬-૨૭ માં તાલુકાવાર સંભવિત નવી જોગવાઈ કુલ રૂ.૧૧૫૦ લાખ આંકવામાં આવી હતી. જ્યારે વર્ષ ૨૦૨૫–૨૬ના વર્ષની વિવિધ જોગવાઈ હેઠળ મંજૂર થયેલી રકમ રૂ.૨૬૮૨.૧૯ લાખના કામોની સમીક્ષા કરવામાં આવી હતી. વિકાસ કામોના આગોતરા આયોજનની સમીક્ષા કરતા પ્રભારી મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, કોઈ પણ કામ બેવડાય નહીં તેની ખાતરી સાથે કામોની ઉપયોગિતા ચકાસીને તેને પ્રાધાન્ય આપવું જોઈએ. મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે જિલ્લાના સામાન્યમાં સામાન્ય માનવી સુધી સુવિધાઓ પહોંચે તે રીતે આયોજન કરવું અનિવાર્ય છે. દરમિયાન વર્ષ ૨૦૨૩-૨૪ થી ૨૦૨૫-૨૬ સુધીની ગ્રાન્ટમાંથી મંજૂર થયેલા વિકાસ કામોની પ્રગતિની સમીક્ષા કરતા મંત્રીશ્રીએ અમલીકરણ અધિકારીઓને તાકીદ કરી હતી કે જે કામો હજુ પ્રગતિ હેઠળ છે તે નિયત સમયમર્યાદામાં પૂર્ણ થાય તે સુનિશ્ચિત કરવું. આ ઉપરાંત, માનનીય સંસદસભ્યશ્રીના ફંડ હેઠળના કામોની પણ વિગતવાર સમીક્ષા કરી જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. બેઠકમાં ઉપસ્થિત મહાનુભાવોએ જિલ્લામાં વિકાસ કામોની પસંદગી બાબતે ગંભીરતા દાખવવા અને ગ્રાન્ટ લેપ્સ ન જાય તેવી સ્થિતિ નિવારવા અમલીકરણ અધિકારીઓને સૂચના આપી હતી. કાર્યવાહી દરમિયાન ગત તા.૨૪.૦૧.૨૦૨૫ ના રોજ મળેલી વર્ષ ૨૦૨૫-૨૬ ની બેઠકની કાર્યવાહી નોંધને બહાલી આપવામાં આવી હતી. આ બેઠકમાં આદિજાતિ વિકાસ વિભાગ મંત્રી શ્રી નરેશભાઈ પટેલ, નવસારી કલેક્ટરશ્રી સુશ્રી ક્ષિપ્રા આગ્રે, નવસારી મહાનગરપાલિકાના કમિશનરશ્રી દેવ ચૌધરી, જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી પુષ્પલતા, પ્રાયોજના વહીવટદારશ્રી પ્રણવ વિજયવર્ગીય, જિલ્લા આયોજન અધિકારી એસ.કે ખુમાણ સહિતના ઉચ્ચ અધિકારીઓ અને વિવિધ પ્રાંત અધિકારીશ્રીઓ તથા તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર બેઠકની કાર્યવાહી જિલ્લા આયોજન અધિકારીશ્રી દ્વારા સંભાળવામાં આવી હતી.



