નવસારીના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈની ઉપસ્થિતમાં નવસારીમાં ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાનનો પ્રારંભ
વાત્સલ્યમ્ સમાચાર
મદન વૈષ્ણવ
સ્વચ્છતા હી સેવા પખવાડિયા અંતર્ગત ૧૭ સપ્ટેમ્બરથી ૨ ઑક્ટોબર દરમિયાન વિવિધ પ્રવૃતિ થકી વ્યાપક સ્વચ્છતા અભિયાન ઉજવાશે
નવસારી મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સ્વચ્છતા હિ સેવા-૨૦૨૫ પખવાડિયાનો પ્રારંભ “ સ્વચ્છોત્સવ” કાર્યક્રમથી કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં નવસારીના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ તથા નવસારી મહાનગરપાલિકાના કમિશ્નર શ્રી દેવ ચૌધરી વિશેષ ઉપસ્થિત રહી નવસારી શહેરને સ્વચ્છતા અભિયાનમાં સક્રિય જન ભાગીદારી થકી આગામી સ્વચ્છતા સર્વેક્ષણમાં અગ્ર સ્થાન અપાવવાની સૌને અપીલ કરી હતી.
આ પ્રસંગે ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના આહ્વાન પર શરૂ થયેલ સ્વચ્છતા હી સેવા અભિયાન આજે સમગ્ર દેશના લોકોનું જન અભિયાન બની ગયું છે. છેલ્લા કેટલાંક વર્ષોથી આ અભિયાન દ્વારા ગામડાંઓથી લઈ શહેરો સુધી લોકોમાં વ્યાપક જાગૃતિ આવી છે. નાગરિકોમાં કચરાનું યોગ્ય સંચાલન, સ્વસ્થ પર્યાવરણ જાળવવાની ટેવ અને હરિયાળી પ્રત્યેનું લગાવ વધી રહ્યું છે. સ્વચ્છતા હવે માત્ર અભિયાન નહીં પરંતુ જીવનશૈલીનો અવિભાજ્ય હિસ્સો બની ગઈ છે.
નવસારી મહાનગરપાલિકાના કમિશનર દેવ ચૌધરીએ નાગરિકોને સંદેશ આપ્યો હતો કે તેઓ પોતાના ઘરો, વિસ્તાર અને જાહેર સ્થળો પર સ્વચ્છતા જાળવી રાખીને આ અભિયાનમાં સક્રિય યોગદાન આપે. દરેક નાગરિક પોતાની નાની નાની કામગીરી દ્વારા મોટા પરિવર્તન લાવી શકે છે અને નવસારીને “સ્વચ્છ નવસારી, બનાવવા માટે સૌ સાથે મળીને કાર્ય કરે તે જરૂરી છે. વધુમાં ખૂબ જ ટૂંકા ગાળામાં નવસારી મહાનગરપાલિકાએ સ્વછતાના ક્ષેત્રેમાં હાંસલ કરેલ સિદ્ધિ માટે મહાનગરપાલિકાના સફાઈ કર્મચારીઓને અભિનદન પાઠવી બિરદાવ્યા હતા.
નવસારી મહાનગરપાલિકા દ્વારા આ વર્ષે સ્વચ્છતા હી સેવા પખવાડિયા ૧૭ સપ્ટેમ્બરથી ૨ ઑક્ટોબર દરમિયાન વિવિધ પ્રવૃતિ થકી વ્યાપક સ્વચ્છતા અભિયાન યોજાશે.
આ અવધિ દરમિયાન નગરજનોને સાથે રાખીને વિવિધ જાગૃતિ કાર્યક્રમો, શ્રમદાન, શાળા-કૉલેજોમાં વિદ્યાર્થીઓ માટે સંકલ્પ સમારંભો, પ્લાસ્ટિક મુક્તિ અભિયાન અને અન્ય અનેક પ્રવૃત્તિઓ યોજાશે. આ પ્રવૃત્તિઓ દ્વારા શહેરને સ્વચ્છ, સુંદર અને સ્વસ્થ બનાવવા માટે તંત્ર અને નાગરિકો બંનેએ મળીને કાર્ય કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
આ પ્રસંગે સ્વચ્છતા ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર મહાનગરપાલિકાના સ્વચ્છતા કર્મચારીઓને ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ તથા મહાનુભાવોના હસ્તે સન્માનિત કર્યા હતા. આ સન્માન દ્વારા તેમને વધુ પ્રેરણા મળી અને અન્ય સૌને પણ આ અભિયાનમાં શ્રેષ્ઠ યોગદાન આપવા માટે પ્રોત્સાહન મળ્યું હતું.કાર્યક્રમના સમાપન અવસરે નવસારી મહાનગરપાલિકાના સ્વચ્છતા ક્ષેત્રે આગવું સ્થાન અપાવવાનો સંકલ્પ સાથે કરવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં મહાનગરપાલિકાના નાયબ કમિશ્નર જે.યુ.વસાવા , નાયબ કમિશ્નર શ્રીગૌરાંગ વાસાણી, જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાભાઈ શાહ તથા મહાનગરપાલિકાના સફાઈ કામદારો તથા નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.