Navsari: પ્રાકૃતિક ખેતી થકી શાકભાજીમાં સારો નફો મેળવતા નવસારીના ચન્દ્રવાસણ સુપા ગામના પુષ્પાબેન પટેલ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
“પ્રાકૃતિક ખેતીથી શાકભાજી પાકમાં મેળવી સારી કમાણી”- પુષ્પાબેન પટેલ

વધુમાં, વર્તમાન સમયમાં પ્રાકૃતિક ખેતી દ્વારા પાકનું વર્ષભર વાવેતર કરી નોંધપાત્ર નફો કમાતા પુષ્પાબેન પટેલ જણાવે છે કે, તેઓ પોતાના જ ખેતરમાં પોતે જ પ્રાકૃતિક ખાતર બનાવે છે. અને કેટલાય સમયથી તે પ્રાકૃતિક ખાતરથી જ તમામ પ્રકારની ખેતી કરે છે. અને તેનાથી તેમની જમીનની ફળદ્રુપતા અને પાક પણ સારો મેળવી રહ્યા છે. રાસાયણિક ખેતીના કારણે મારી જમીન કડક અને ક્ષારવાળી બની ગઇ હતી. પાણીનો વપરાશ વધુ પ્રમાણમાં થતો હતો અને પાકનું ઉત્પાદન ઓછું થવા લાગ્યું હતું. ઉપરાંત અવનવી જીવાતો આવવા લાગી તેમજ દવાનો ખર્ચ વધારે થતો હતો. આમ પાક વેચવાથી જે કમાણી થતી હતી તે ખાતર અને દવામાં જ વપરાઇ જતી હતી. છેલ્લા બે વર્ષેથી પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી ત્યારથી જમીનની ફળદ્રુપતા વધી છે, ક્ષાર ઘટ્યો છે તેમજ બજારમાંથી કોઇ દવા કે ખાતરની ખરીદી કરવી પડતી ન હોવાથી સારો નફો મને મળી રહ્યો છે.
આત્મા યોજના દ્વારા પ્રાકૃતિક કૃષિની તાલીમ શિબિરમાં ભાગ લઇને પ્રાકૃતિક ખેતી અંગે જાણકારી સાથે ખેતી કેવી રીતે કરવી તે અંગે જાણકારી મેળવ્યા બાદ ખેતીમાં ધીરે ધીરે બદલાવ કર્યો છે. હાલ જીવામૃત, ઘનજીવામૃત વગેરે જાતે જ બનાવીને પાકમાં ઉપયોગમાં લઉ છું. જીવામૃત વાપરવાથી જમીનમાં સૂક્ષ્મ તત્વોનું પ્રમાણ વધે છે જેથી અલગથી જૈવિક ખાતર આપવાની જરૂર પડતી નથી. પાકની ગુણવત્તા સુધરે છે. પ્રાકૃતિક પેદાશ હોવાને લીધે લાંબા સમય સુધી પાક બગડતા નથી. જેથી ખેતી કરતા ખેડૂતોને અનુરોધ કરુ છું કે, ધીરે ધીરે પ્રાકૃતિક ખેતી તરફ વળીને પ્રકૃતિ અને માનવીના હિતમાં કાર્ય કરે. રાજ્ય સરકાર વિવિધ રીતે ખેડૂતોને પ્રોત્સાહિત કરી રહી છે તેનો પણ ખેડૂતો લાભ ઉઠાવે તે જરૂરી છે.


