GUJARATNAVSARINAVSARI CITY / TALUKO

નવસારી; રાજ્ય સરકારની પાલક માતા-પિતા યોજના અનાથ અને નિરાધાર બાળકો માટે આશીર્વાદરૂપ

વાત્સલ્યમ સમાચાર

   મદન વૈષ્ણવ

બાળકોના સ્વસ્થ અને સંતુલિત વિકાસ માટે કુટુંબ જેવું સુરક્ષિત અને સ્નેહભર્યું વાતાવરણ સૌથી અગત્યનું માનવામાં આવે છે. કેટલાક વિપરીત સંજોગોને કારણે જ્યારે બાળકો અનાથ અથવા નિરાધાર બની જાય છે ત્યારે સંસ્થાકીય વાતાવરણમાં ઉછેર તેમને માટે અંતિમ વિકલ્પ ગણાય છે. આવા બાળકોને કુટુંબ જેવી સંભાળ અને પ્રાકૃતિક વાતાવરણમાં ઉછેર મળે તે હેતુસર રાજ્ય સરકાર દ્વારા પાલક માતા-પિતા યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના અંતર્ગત અનાથ અને નિરાધાર બાળકોને વૈકલ્પિક કુટુંબમાં રાખીને તેમના સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપવામાં આવે છે.

આ યોજના હેઠળ ૧૮ વર્ષથી ઓછી ઉંમરના એવા બાળકોનો સમાવેશ થાય છે જેમના માતા-પિતા બન્નેનું અવસાન થયું હોય અથવા માતા કે પિતાના અવસાન પછી હયાત માતા અથવા પિતાએ પુનઃલગ્ન કર્યા હોય અને બાળકનો ઉછેર દાદા-દાદી, નાના-નાની, કાકા, મામા, ફોઇ, માસી કે ભાઈ જેવા પાલક વાલી દ્વારા કરવામાં આવતો હોય. આવા બાળકોને પરિવારના વાતાવરણમાં ઉછેર મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા દર મહિને રૂ.૩૦૦૦/- ની આર્થિક સહાય આપવામાં આવે છે, જે તેમના શિક્ષણ, આરોગ્ય અને દૈનિક જરૂરિયાતો પૂરી કરવામાં સહાયરૂપ બને છે.આ યોજનાનો લાભ મેળવવા માટે અરજી સાથે માતા-પિતાનો મૃત્યુ દાખલો, બાળકનું જન્મ પ્રમાણપત્ર, શાળા અથવા આંગણવાડીનું બોનોફાઇડ પ્રમાણપત્ર, બાળક તથા પાલક વાલીનો પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ, પાલક વાલીનો આવકનો દાખલો, રેશનકાર્ડ, બાળક તથા પાલક વાલીનો આધારકાર્ડ અને બેંક ખાતાની પ્રમાણિત નકલ જેવા જરૂરી દસ્તાવેજો રજૂ કરવાના રહે છે. આવક મર્યાદા મુજબ ગ્રામ્ય વિસ્તારમાં આવક રૂ.૨૭,૦૦૦/-થી વધુ અને શહેરી વિસ્તારમાં રૂ.૩૬,૦૦૦/-થી વધુ ન હોવી જોઈએ. જો માતા અથવા પિતાએ પુનઃલગ્ન કર્યા હોય તો તેના સંબંધિત સ્વઘોષણાપત્ર, લગ્ન નોંધણી પ્રમાણપત્ર અથવા તલાટી-કમ-મંત્રીનો દાખલો પણ જોડવાનો રહેશે. આ યોજના અંગે વધુ માહિતી મેળવવા માટે જિલ્લા બાળ સુરક્ષા એકમ, સેન્ટ્રલ આર્કેડ, ૪થો માળ, દુકાન નં.૪૨૫-૪૨૬, નવસારી મહાનગરપાલિકા પાછળ, રામજી મંદિર સામે, દુધિયા તળાવ નજીક, નવસારી ખાતે મુલાકાત લઈ શકાય છે અથવા ફોન નંબર (૦૨૬૩૭) ૨૮૧૪૪૦ પર સંપર્ક કરી માહિતી મેળવી શકાય છે તેમ જિલ્લા બાળ સુરક્ષા અધિકારી અને જિલ્લા બાળ સુરક્ષા એકમ,નવસારી દ્વારા જણાવેલ છે .

Back to top button
error: Content is protected !!