
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ

આ વીડિયો કોન્ફરન્સમાં ૧૦૦ દિવસ સુધી ચાલનારા ટીબી નિર્મૂલન ઝૂંબેશ માટે કાર્યક્રમની રૂપરેખા સાથે ઝીણવટભરી માહિતી આપવામાં આવી હતી. નવસારી સહિત દેશના ૩૪૭ જિલ્લામાં તા. ૭મીથી આ અભિયાનનો વિધિવત પ્રારંભ થશે. ત્યારે નવસારી જિલ્લામાં ટીબી નિર્મૂલન ઝૂંબેશને વધુ વેગ મળે તેમજ છેવાડાના માનવી સુધી આ અભિયાનની જાણકારી હોય તે માટે વિશેષ પ્રયાસો હાથ ધરવા માટે સંબંધિત અધિકારીશ્રીઓને માર્ગદર્શન સહ સૂચન કર્યું હતું.
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીએ આરોગ્ય વિભાગના અધિકારીશ્રીઓને સંવેદનશીલ વ્યક્તિઓને આ અભિયાનનો લાભ મળે તથા સરકારશ્રીનો ટીબી નિર્મૂલનનો લક્ષ્યાંક પૂર્ણ થાય તે માટે તાકીદ કરી પ્રેરણા પૂરી પાડી હતી. કાર્યક્રમ અંતર્ગત જરૂરી સુવિધાઓ જેવી કે ગળફાની તપાસ અને એક્સ-રેની સુવિધા મળી રહે તથા કોઈ પણ સંવેદનશીલ વ્યક્તિ આ સુવિધાથી વંચિત રહી ન જાય તે બાબતની તકેદારી રાખવાનું પણ સૂચન કરવામાં આવ્યું હતું.
નવસારી જિલ્લાની ઉચ્ચ જોખમ ધરાવતી વસ્તીમાં સમાવિષ્ટ તમામ વ્યક્તિઓની તપાસ કરાશે. સારવાર અને પોષણ માટે સહાય આપવામાં આવશે તેમજ દર્દીના સંપર્કમાં રહેલા તમામને ટીબી પ્રિવેન્ટીવ થેરાપી અપાશે.
આ ૧૦૦ દિવસના અભિયાનનો હેતુ જન ભાગીદારી દ્વારા લોકોમાં ટીબી અંગે જાગૃતિ લાવી ટીબી હોવા અંગેનો સામાજિક ક્ષોભ દૂર કરવાનો, વહેલા નિદાન થકી, વધુમાં વધુ દર્દીઓ શોધી, પૂર્ણ સારવાર આપી તેને પોષણ સહાય સાથે મૃત્યુદર નહીવત કરી, ટીબી મુક્ત નવસારીની દિશામાં આગળ વધવાનો છે.




