
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
રમતગમત રાજ્ય મંત્રી ડો. જયરામભાઈ ગામિત વિશેષ ઉપસ્થિત રહી ખેલાડીઓનો જુસ્સો વધાર્યો :
રાષ્ટ્રીય રમત કબડ્ડીમાં રાજ્યભરની ૩૧ ટીમો ભાગ લેશે:
નવસારી જિલ્લા કબડ્ડી એસોસિએશન આયોજીત ગુજરાત સ્ટેટ એસોસિએશન ની 72 મી સિનિયર ભાઈઓની ડે- નાઈટ કબડ્ડી ટુર્નામેન્ટ-2025 બી. કે. પટેલ સાર્વજનિક હાઈસ્કૂલ ગોયંદી ભાઠલા, ગણદેવી ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટ નો પ્રારંભ આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલે પ્રારંભ કરાવ્યો હતો. આ અવસરે રમતગમત રાજ્ય મંત્રી ડો. જયરામભાઈ ગામિત વિશેષ ઉપસ્થિત રહી ખેલાડીઓનો જુસ્સો વધાર્યો હતો. આ પ્રસંગે આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલ એ ખેલાડી ઓને સંબોધન કરતા જણાવ્યું હતું કે કબડ્ડી આપણી પ્રાચીન રમત છે. રાજ્ય સરકારે તેને ફરી ધબકતી કરી છે. ત્યારે હાર-જીતની પરવા કર્યા વિના રમત રમવા જણાવ્યું હતુ. કબડ્ડી રબર મેટ ઉપર રમાડવાના લીધે ખેલાડીઓ ઇજાગ્રસ્ત મુક્ત બની રમતનાં દાવપેચ દાખવી શકશે. રાજ્યની રાજકોટ, ગાંધીનગર, ભરૂચ, ડાંગ, વલસાડ સહિત વિવિધ જિલ્લામાંથી આવેલી ૩૧ ટીમો ને અભિનંદન પાઠવી ખેલદીલી પૂર્વક ટુર્નામેન્ટ રમવા જણાવ્યું હતું. ટુર્નામેન્ટમાં સુરેન્દ્રનગર અને બોટાદ તેમજ ખેડા અને રાજકોટ ની ટીમો એ સ્પર્ધા નો પ્રારંભ કરાવ્યો હતો. સિનિયર ભાઈઓની ડે-નાઈટ કબડ્ડી ટુર્નામેન્ટમાં રાજ્યભરની ૩૧ ટીમો ડે-નાઈટ કબડ્ડી નો કસબ અજમાવી રહી છે. જેને માણવા સેંકડો કબડ્ડી પ્રેમીઓ ઉમટ્યા હતા. આગામી ફેબ્રુઆરી ૨૪ થી ૨૭ દરમ્યાન વિજેતા ટીમ રાષ્ટ્રીય લેવલે પોતાનું કૌવત દાખવશે. ટુર્નામેન્ટના વિજેતા અને ઉપવિજેતા ટીમોને આકર્ષક ટ્રોફીથી સન્માનિત કરવામાં આવશે.
આ પ્રસંગે અગ્રણીઓ વિનોદ પટેલ, સનમ પટેલ, અશ્વિન પટેલ, શૈલેષ હળપતિ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.





