GUJARATNAVSARI

Navsari: નાગરિકો માટે પ્રેરણાનો સ્ત્રોત બનશે દિવ્યાંગ અધિકારીઓ સંચાલિત નવસારી જિલ્લાનાં ૦૪ દિવ્યાંગ મતદાન મથકો

વાત્સલયમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી
ગાંધીનગર ખાતે તાજેતરમાં યોજાયેલ એક બેઠકમાં મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતીએ મતદાન સ્ટાફને *”ભારતની ચૂંટણી પ્રક્રિયાની કરોડરજ્જુ સમાન”* ગણાવ્યા હતા. તેમણે મતદાન કર્મચારીઓને પોતાના અતુલ્ય યોગદાન માટે બીરદાવ્યા હતા. મતદાન સ્ટાફ મતદાન મથક તૈયાર કરવાથી લઇને મતદાન પછીની પ્રક્રિયાઓ દરમિયાન લાંબા કલાકો સુધી કામ કરે છે; તેમનું શરીર કદાચ થાકતું હશે પણ તેમનું સમર્પણ અતૂટ હોય છે એમ ઉમેર્યું હતું.

ચૂંટણીની કામગીરી દરેક વ્યક્તિને મુશ્કેલ લાગતી હોય છે. ઘણી વખતે પોતાની અમુક નબળાઇઓને એક બહાનુ બનાવી લોકો આ કામગીરી માંથી છટકવાનો પ્રયાસ કરતા હોય છે. પરંતું નવસારી જિલ્લામાં કર્મનિષ્ઠ અધિકારી-કર્મચારીઓને કમી નથી. જેનું તાદર્શ ઉદાહરણ દિવ્યાંગ અધિકારી-કર્મચારીથી સંચાલિત નવસારી જિલ્લાના ૦૪ દિવ્યાંગ મતદાન મથકો છે.

પોતાની કોઇ પણ ખામીને પોતાની કમજોરી બનાવવી કે શક્તિ એ વ્યક્તિગત બાબત છે. દિવ્યાંગો શારિરિક રીતે અશક્ત હોય શકે પરંતું મનથી તેઓ સામાન્ય માનવી કરતા પણ વધારે શક્તિશાળી હોય છે. નવસારી જિલ્લાના દિવ્યાંગોએ પોતાની ખામીને પોતાના કામની વચ્ચે આવવા દિધી નથી. અને હસતા મુખે ચૂંટણીની કામગીરી નિભાવી રહ્યા છે. ફક્ત દિવ્યાંગો જ નહી પરંતું પોલીંગ સ્ટાફ પૈકીના ઘણા કર્મચારીઓ ડાયાબીટીસ,બી.પી. અને થાઇરોઇડ જેવી આરોગ્ય વિષયક સમસ્યાઓ ધરાવતા હોવા છતાં અને નિત્ય દૈનિક ક્રિયાઓની અગવડતા ભોગવીને પણ સતત ૩૬ કલાક સુધી મતદાન મથકે ચૂંટણી ફરજ નિભાવતા હોય છે. જેથી ચૂંટણી પંચના આ પાયાના સૈનિકો ગમે તેવી પરિસ્થિતિમાં પણ પોતાની ફરજ નિભાવવા તત્પર હોય છે.

નોંધનિય છે કે, નવસારી જિલ્લામાં દિવ્યાંગ દ્વારા સંચાલિત ૦૪ જેટલા મતદાન મથકો ઉભા કરવામાં આવશે. જેમાં ૧૭૪ જલાલપોર વિધાનસભામાં ૬૦-સડોદરા બુથ–  પ્રાથમિક શાળા, પટેલ ફળિયા, સડોદરા ખાતે આવેલ છે. ૧૭૫ નવસારી વિધાનસભામાં બુથ નંબર-૬૬-નવસારી-૬૬, નવસારી હાઇસ્કૂલ નવસારી,દુધિયા તળાવ પેટ્રોલપંપ પાસે, નવસારી ૧૭૬ ગણદેવી (એસ.ટી) વિધાનસભામાં બુથ નંબર-૨૦૭-ચીખલી-૦૪, કુમાર શાળા ચીખલી, ગોડાઉન ફળિયા, ચીખલી ખાતે અને ૧૭૭ વાંસદા વિધાનસભામાં બુથ નંબર ૨૨૬-વસીયા તળાવ-૨,  પ્રાથમિક શાળા નિશાળ ફળીયા, વાંસિયા તળાવ ખાતે દિવ્યાંગ (PWD) સંચાલિત મતદાન મથકનો સમાવેશ થાય છે. આ મતદાન મથકની સંપૂર્ણ જવાબદારી દિવ્યાંગ અધિકારી-કર્મચારીઓની રહેશે. નવસારી જિલ્લા ચૂંટણી તંત્ર આવા કર્મનિષ્ઠ અધિકારી-કર્મચારીઓને ગર્વભેર જુએ છે અને તેઓની કામગીરીને બીરદાવે છે.

આ તમામ અધિકારી-કર્મચારીઓ પોતાના શારિરિક માનસિક, પારિવારીક કે કોઇ પણ સમસ્યાને બાજુએ મુકીને પોતાનો કર્મ કરી રહ્યા છે. નિષ્ઠા પુર્વક કામગીરીને પાર પાડી રહ્યા છે ત્યારે સામાન્ય નાગરિકો જેમણે ફક્ત મતદાન કરવાનું છે તેમણે આવા અધિકારી કર્મચારીઓને પ્રેરણાસ્ત્રોત ગણી આગામી ૦૭મી મે-મંગળવારના રોજ મતદાન કરવા અચુક જવું જોઇએ.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!