નવસારી: ગુજરાત રાજ્યની ઉચ્ચસ્તરીય શહેરી યોજના સમિતિની નવસારી મહાનગરપાલિકા ખાતે પ્રથમ બેઠક યોજાઇ
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ગુજરાત રાજ્યની શહેરી યોજના સંબંધિત ઉચ્ચસ્તરીય સમિતિ (High-Level Committee) દ્વારા તા. 20 જૂન, 2025ના રોજ નવસારી મહાનગરપાલિકા ખાતે મુલાકાત લેવામાં આવી હતી. સમિતિના અધ્યક્ષ પ્રો. જીગ્નેશ મહેતાની આગેવાનીમાં આ પ્રતિનિધિમંડળે નવસારી શહેરની વર્તમાન યોજના અને ભવિષ્યના વિકાસ માટેની તજવીજ અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી. આ દરમિયાન સમિતિના સભ્યોએ મોડેલ રોડ, પ્રસ્તાવિત રિવરફ્રન્ટ અને વિવિધ ટાઉન પ્લાનિંગ યોજનાઓના સ્થળોની મુલાકાત પણ લીધી હતી.
આ બેઠકમાં નવસારી મહાનગરપાલિકાના માન. કમિશનરશ્રીની અધ્યક્ષતામાં નાયબ કમિશનરશ્રીઓ, ટાઉન પ્લાનિંગ અને ઈજનેરી શાખાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. મીટીંગમાં શહેરના માર્ગ વિકાસ, આધુનિક સુવિધાઓથી સજ્જ ટાઉન પ્લાનિંગ, ટ્રાફિક વ્યવસ્થા, જમીનનો કાર્યક્ષમ ઉપયોગ અને ભવિષ્યમાં આવનારી વિવિધ પરિયોજનાઓ અંગે વિશદ ચર્ચા કરવામાં આવી હતી.
નવસારી મહાનગરપાલિકા, સમગ્ર રાજ્યમાં પ્રથમ મહાનગરપાલિકા તરીકે આવી જેને ઉચ્ચસ્તરીય સમિતિની મુલાકાત માટે પસંદ થયેલી છે, જેના બદલામાં રાજ્ય સરકારશ્રી અને સમિતિ પ્રતિ, નવસારી મહાનગરપાલિકા હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે.
આ મુલાકાત દ્વારા નવસારી શહેરને સંકલિત, સુવ્યવસ્થિત અને નવિન શહેરી વિકાસ માટે નવી દિશા પ્રાપ્ત થશે, અને મહાનગરપાલિકા તેની પ્રતિબદ્ધતા સાથે આ દિશામાં કાર્યરત રહેશે.



