Rajkot: સરકારી ઈજનેરી કોલેજ, કણકોટ ખાતે ૨૦ એપ્રિલે ઇજનેરી, ફાર્મસી તથા આર્કિટેક્ચર અભ્યાસક્રમોમાં પ્રવેશ પ્રક્રિયા અંગે માર્ગદર્શન સેમિનાર યોજાશે

તા.૧૮/૪/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સીસ (એ.સી.પી.સી) દ્વારા ધોરણ ૧૨ – વિજ્ઞાન પ્રવાહ બાદ ઇજનેરી, ફાર્મસી તથા આર્કિટેક્ચર અભ્યાસક્રમોમાં પ્રવેશની કામગીરી ઓનલાઇન ચાલી રહી છે. વિદ્યાર્થીઓ અને વાલીઓને પ્રવેશ પ્રક્રિયા અંગે માર્ગદર્શન તથા પ્રવેશને લગતા વિવિધ પ્રશ્નોનું સમાધાન મળી રહે, તે હેતુસર પ્રવેશ સમિતિ દ્વારા તા. ૨૦ એપ્રિલને રવિવારના રોજ સરકારી ઇજનેરી કોલેજ (જી.ઈ.સી.), કણકોટ, રાજકોટ ખાતે સરોજિની નાયડુ ઓડિટોરિયમમાં સવારે ૧૧ કલાકે કાઉન્સેલિંગ સેમિનાર યોજાશે.
આ સેમિનારમાં પ્રવેશ સમિતિ દ્વારા રજીસ્ટ્રેશન, ચોઈસ ફીલિંગ સહિત સમગ્ર ઓનલાઇન પ્રવેશ પ્રક્રિયા અંગે સંપૂર્ણ માહિતી પૂરી પાડવામાં આવશે. સેમિનારમાં ‘વહેલા તે પહેલા’ના ધોરણે પ્રવેશ અપાશે. આથી, કાર્યક્રમનો લાભ લેવા ઇચ્છુકે કાર્યક્રમ શરુ થવાના અર્ધી કલાક પહેલા જગ્યા મેળવી લેવાની રહેશે. વધુમાં વધુ લોકો આ કાર્યકમનો લાભ લઇ શકે, તે માટે એક વિદ્યાર્થી સાથે ફક્ત એક વાલીને પ્રવેશ અપાશે. સરકારી ઇજનેરી કોલેજ ખાતે પ્રવેશ પ્રક્રિયામાં વિદ્યાર્થીઓને મદદરૂપ થવાના આશયથી હેલ્પ સેન્ટર કોલેજ સમય દરમિયાન કાર્યરત રહેશે. વધુમાં વધુ વિદ્યાર્થીઓ તથા વાલીઓએ આ કાર્યક્રમનો લાભ લેવા સરકારી ઇજનેરી કોલેજની યાદીમાં જણાવાયું છે.


