NAVSARINAVSARI CITY / TALUKO

નવસારી મનપાના પાંચ કર્તવ્યનિષ્ઠ કર્મચારીઓ વય નિવૃત્ત થતાં ભવ્ય વિદાય સમારંભ યોજાયો

વાત્સલ્યમ સમાચાર

   મદન વૈષ્ણવ

નવસારી મહાનગરપાલિકાના પ્રાંગણમાં  એક ભાવુક અને ગૌરવપૂર્ણ વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મહાનગરપાલિકામાં વર્ષો સુધી નિષ્ઠાપૂર્વક સેવા આપનાર પાંચ કર્તવ્યનિષ્ઠ અને સેવાભાવી કર્મચારીઓને વય મર્યાદા પૂર્ણ થતાં સન્માનભેર વિદાય આપવામાં આવી હતી. આ પ્રસંગે નગરપાલિકાના નાયબ કમિશનર શ્રી દેવ ચૌધરી સાહેબ, અન્ય ઉચ્ચ અધિકારીઓ, અને મોટી સંખ્યામાં પાલિકાના કર્મચારીઓ ઉપસ્થિત રહી, સેવાનિવૃત્ત થનાર કર્મચારીઓના યોગદાનને બિરદાવ્યું હતું.જે પાંચ કર્મચારીઓએ તેમની લાંબી અને સમર્પિત સેવા બાદ નિવૃત્તિ લીધી છે તેમાં વહીવટી અધિકારી તરીકે ફરજ બજાવતા વિનોદભાઈ રામજીભાઈ ડાભી નો સમાવેશ થાય છે. તેમણે વહીવટી કાર્યોમાં તેમની કાર્યદક્ષતા અને અનુભવનો પૂરો લાભ પાલિકાને આપ્યો હતો. જન્મ-મરણ નોંધણી શાખામાં ફરજ બજાવતા કિરણભાઈ આર. ટેલર એ પણ તેમની શાખામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.જોકે કિરણભાઈ એ સ્વેચ્છિક નિવૃત્તિ લીધી હતી. જ્યારે પંપમેન તરીકે ફરજ બજાવતા  રાજુભાઈ સીતારામભાઈ ગંડાણે એ પાણી પુરવઠા જેવી અતિ મહત્વની સેવાઓમાં પોતાનો મહત્તમ ફાળો આપ્યો હતો.ત્યારબાદ ડ્રેનેજ વિભાગમાં ફરજ બજાવતા છીબુભાઈ વલ્લભભાઈ રાઠોડ એ શહેરની સ્વચ્છતા અને આરોગ્ય જાળવણીમાં અગ્રિમ ભૂમિકા ભજવી હતી. આ ઉપરાંત, સફાઈ કામદાર તરીકે ફરજ બજાવતા શ્રીમતી ધનુબેન નાથાભાઈ રાઠોડ અને મે. કામદાર તરીકે ફરજ બજાવતા બળદેવભાઈ સોમાભાઈ રાઠોડ એ પણ શહેરની સફાઈ અને વ્યવસ્થા જાળવવામાં અથાક પરિશ્રમ કર્યો હતો.આ વિદાય સમારંભમાં, નાયબ કમિશનર શ્રી દેવ ચૌધરીએ પ્રત્યેક કર્મચારીની સેવાને યાદ કરીને તેમના કાર્યોને બિરદાવ્યા હતા.  પાલિકાના અન્ય અધિકારીઓ અને સહકર્મીઓએ પણ નિવૃત્ત થતા કર્મચારીઓ સાથેના તેમના અનુભવો અને સંસ્મરણો વાગોળ્યા હતા અને તેમને ભાવભીની શુભેચ્છાઓ પાઠવી હતી.સમારંભના અંતે, નાયબ કમિશનર શ્રી દેવ ચૌધરીના હસ્તે પાંચેય કર્તવ્યનિષ્ઠ કર્મચારીઓને પુષ્પગુચ્છ અને શાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સન્માન એ તેમની વર્ષોની નિઃસ્વાર્થ સેવા અને પ્રત્યેક નાગરિક પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાની કદર હતી. આ પ્રસંગે નિવૃત્ત થતા કર્મચારીઓએ પણ મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવેલા સહયોગ અને સન્માન બદલ આભાર વ્યક્ત કર્યો હતો.આ વિદાય સમારંભ નવસારી મહાનગરપાલિકાની પારિવારિક ભાવના અને કર્મચારી કલ્યાણ પ્રત્યેની પ્રતિબદ્ધતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. નિવૃત્ત થતા કર્મચારીઓને તેમના ભાવિ જીવન માટે શુભકામનાઓ પાઠવવામાં આવી હતી, અને આશા વ્યક્ત કરવામાં આવી હતી કે તેઓ તેમના નિવૃત્તિ જીવનને સ્વસ્થ અને સુખી રીતે પસાર કરશે.

Back to top button
error: Content is protected !!