નવસારી મનપા ના તમામ કર્મચારીઓનો નિરાલી મેમોરિયલ ટ્રસ્ટના સહયોગથી સ્વાસ્થ્ય તપાસણી કેમ્પ યોજાયો…

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

આ કેમ્પનો મુખ્ય ઉદ્દેશ્ય મહાનગરપાલિકાના કર્મચારીઓ સતત ફિલ્ડ વર્ક અને વહીવટી કામગીરીમાં વ્યસ્ત રહેતા હોવાથી ઘણીવાર પોતાના સ્વાસ્થ્યની અવગણના કરતા હોય છે. આ બાબતને ધ્યાને રાખી, તેમની શારીરિક તપાસ થાય અને ભવિષ્યમાં આવનારી બીમારીઓ સામે રક્ષણ મળે તે હેતુથી આ નિઃશુલ્ક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આરોગ્ય તપાસ કેમ્પમાં નિષ્ણાત તબીબોની ટીમ દ્વારા નીચે મુજબની તપાસ કરવામાં આવી હતી જેમાં જનરલ ચેકઅપ: બ્લડ પ્રેશર (BP), બ્લડ સુગર, ઊંચાઈ અને વજનની તપાસ તેમજ હૃદય રોગ નિદાન જેમાં જરૂરિયાત જણાતા કર્મચારીઓનું સ્થળ પર જ ECG કરવામાં આવ્યું હતું.કેન્સર અવેરનેસ ખાસ કરીને મહિલા કર્મચારીઓ માટે સર્વાઇકલ કેન્સર સ્ક્રિનિંગ અને જાગૃતિ અંગેનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું.શારીરિક તપાસ બાદ નિષ્ણાત ડોક્ટરોએ કર્મચારીઓને યોગ્ય આહાર અને જીવનશૈલી અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. નવસારી મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓથી લઈને પાયાના કર્મચારીઓએ આ સેવાનો લાભ લીધો હતો. નિરાલી મેમોરિયલ મેડિકલ ટ્રસ્ટના આ ઉમદા કાર્યને બિરદાવતા પાલિકા વહીવટી તંત્ર દ્વારા ટ્રસ્ટનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. ટ્રસ્ટના પ્રતિનિધિઓએ પણ જણાવ્યું હતું કે, શહેરની સેવામાં રત એવા ‘કોરોના વોરિયર્સ’ અને સફાઈ મિત્રો સહિતના તમામ કર્મચારીઓના સ્વાસ્થ્યની જાળવણી કરવી એ સંસ્થાની સામાજિક જવાબદારી છે.



