નવસારીની સીટી સ્ક્વેર એપાર્ટમેન્ટ ખાતે હવાઇ હુમલો થયો:૦૫ નાગરિકો ઘવાયા,જ્યારે ૧૧૨ જેટલા લોકો રેસ્ક્યુ કરાયા

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
*૪૦ જેટલા એનસીસી કેડેટ્સ, ૩૪ જેટલા સિવિલ ડિફેન્સના વોલન્ટીયરસ, ફાયર ફાઈટર અને મહાનગરપાલીકાની ટીમ, પોલીસની ટીમો સહિત વિવિધ ટીમો બચાવ કામગીરીમા જોડાઈ*
*મોકડ્રિલમાં વાસ્તવિક દ્રશ્યો ઊભા થતા નગરના લોકોમાં રોમાંચ અને કુતૂહલતા સર્જાઈ*

સીટી સ્ક્વેર ખાતે કર્મચારીઓ-દુકાનદારો રાબેતા મુજબ કામગીરી કરી રહ્યા હતા અને સીટી સ્ક્વેર એપાર્ટમેન્ટના રહીશો રોજિંદા જીવનમાં વ્યસ્ત હતા. ત્યારે અચાનક જ હવાઇ હુમલાની ચેતવણી આપતા સાયરન વાગવા લાગ્યા હતા. હુમલો થતા બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી.
ડિઝાસ્ટર વિભાગે કંટોલ રૂમ મારફત ફાયર ફાયટરની ટીમ, એમ્બ્યુલન્સ, માર્ગ અને મકાન વિભાગની ટીમ તથા ઉચ્ચ અધિકારીઓને જાણ કરતા તમામ ટીમો ઘટના સ્થળે આવી પહોચી બચાવ કામગીરી શરૂ કરી દિધી હતી.
ગણતરીની મીનીટમાં જ ફાયર ફાયટરની ટીમ દ્વારા સીટી સ્ક્વેર એપાર્ટમેન્ટ ખાતે આગ ઉપર કાબુ મેળવી લીધો હતો. આ ઘટનામાં ૦૫ નાગરિકો ઘવાયા હતા જ્યારે ૧૧૨ જેટલા રહીશોને રેસ્ક્યુ કરી લેવાયા હતા. ઈમરજન્સીના ભાગરૂપે નવસારી જિલ્લા તંત્ર દ્વારા કન્ટીજન્સી હોસ્પિટલ તરીકે નજીકની નગરપાલિકા ઈંગ્લીશ મીડીયમ સ્કૂલ ખાતે ઘાયલો તથા રેસ્ક્યુ કરાયેલા નાગરિકોને એમ્બ્યુલન્સ મારફત સુરક્ષિત ખસેડવામાં આવ્યા હતા. આગ કાબુમા લેવાયા બાદ ૪૦ જેટલા એનસીસીના કેડેટ્સ, મહાનગરપાલીકાની ટીમ તથા પોલીસ અને ૩૪ જેટલા સિવિલ ડિફેન્સના વોલન્ટીયરસ દ્વારા અડચણરૂપ કાટમાળ ખસેડવાની કામગીરી કરી હતી. નોંધનિય છે કે, ઓપરેશન શિલ્ડ અભ્યાસ મોકડ્રિલના ભાગ રૂપે, સાયરન વાગવાની સાથે જ નવસારી નગરના સીટી સ્કવેર ખાતે હવાઇ હુમલો થવાનો સંકેત આપવામાં આવ્યો હતો.સાંજે ૦૫.૦૦ કલાકે શરૂ કરવામાં આવેલ મોકડ્રીલ નિયત સમયમાં પૂર્ણ કરવામાં આવી હતી. મોકડ્રીલ પૂર્ણ થયા તરત બાદ ઉપસ્થિત સૌ ઓફિસ સ્ટાફને વાસ્તવિક યુદ્ધની પરિસ્થિતિમાં ઝડપથી પ્રતિસાદ આપવાની તાલીમ, આત્મ સુરક્ષાની તાલીમ અને સાયરનના પ્રકારો અંગે માહિતી આપવામાં આવી હતી. સફળ મોકડ્રીલ બાદ સંબધિત વિભાગના અધિકારીશ્રીઓને જિલ્લા કલેકટરશ્રી સહિત ઉચ્ચ અધિકારીશ્રીઓ દ્વારા જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જિલ્લા તંત્ર દ્વારા વિશેષ કરીને જ્યાં નાગરિકોની અવરજવર ખૂબ જ રહેતી હોય તેવા સ્થળો પર કોઈ હુમલો કે યુદ્ધની પરિસ્થિતિમાં ઓપરેશન કેવી રીતે પાર પાડવું અને નાગરિકોએ કેવી રીતે સુરક્ષિત બચાવ કરવો તે માટે જાગૃત કરવામાં આવ્યા હતા. આ અભ્યાસ મોકડ્રિલમાં વાસ્તવિક દ્રશ્યો ઊભા થતા નગરના લોકોમાં રોમાંચ અને કુતૂહલતા સર્જાઈ હતી.
નોંધનિય છે કે, ભારત સરકારના મીનીસ્ટ્રી ઓફ હોમ અફેર્સ દ્વારા આજરોજ સિવિલ ડીફેન્સ મોકડ્રીલનું આયોજન કરવાની સૂચના આપવામાં આવી હતી. જે અન્વ્યે નવસારી જિલ્લા સહિત ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓમાં “ઓપરેશન શિલ્ડ” મોકડ્રિલ યોજાઇ હતી. “ઓપરેશન શિલ્ડ” અંતર્ગત મોકડ્રિલનો આ પ્રથમ તબક્કો હતો. બીજા તબક્કામાં સાંજે ૮.૦૦થી ૦૮:૩૦ કલાક સુધી નાગરિકો દ્વારા સ્વયંભૂ અંધારપટ (બ્લેક આઉટ) કરવામાં આવશે. જેમાં હવાઈ હુમલો ટાળવા માટે સંપૂર્ણ બ્લેકઆઉટ એટલે કે સમગ્ર જિલ્લાની તમામ લાઈટ્સ બંધ કરી દેવામાં તથા આ સમય દરમિયાન રસ્તાઓ ઉપરથી પસાર થતા વાહનો લાઇટ બંધ કરી ગાડીઓ સલામતી પૂર્ણ રસ્તાની સાઇડમાં પાર્ક કરી દે તથા દુકાનદારો અને સ્ટોરના માલિકો નિયોન કલરના બોર્ડને ઢાંકી દેવા નવસારી જિલ્લા તંત્ર દ્વારા અનુરોધ કરાયો છે. સાંજે ૮:૩૦ કલાકે સાઇરન ૦૨ મિનિટ સુધી એક સરખી તીવ્રતા થી વાગાડી હવાઈ હુમલોની મોકડ્રીલ પૂર્ણ થવાના સંકેત આપવામાં આવશે.





