NAVSARINAVSARI CITY / TALUKO

નવસારી મનપા દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસે સ્વચ્છ અને હરિયાળું વૃક્ષારોપણ મફત રોપા વિતરણ હરિયાળીનો મહાઅભિયાન

વાત્સલ્યમ સમાચાર

    મદન વૈષ્ણવ

નવસારી, તા. 5 જૂન: વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ભવ્ય સ્વચ્છતા શ્રમદાન, વૃક્ષારોપણ અને મફત રોપા વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. શહેરને સ્વચ્છ અને હરિયાળું બનાવવા માટે જનભાગીદારી સાથે હાથ ધરાયેલા આ અભિયાનને નાગરિકો તરફથી ઉત્સાહભર્યો પ્રતિસાદ મળ્યો.

શાંતાદેવી રોડ સ્થિત શાકભાજી માર્કેટ વિસ્તારમાં મેયર અશોકભાઈ ધોરાજીયા, ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ, મ્યુનિસિપલ કમિશનર જયેશ ઉપાધ્યાય (IAS) જિલ્લા સંગઠન પ્રમુખ ભુરાભાઈ શાહ સહિતના આગેવાનો અને નાગરિકોએ સ્વયં શ્રમદાન કરી સફાઈ કામગીરી હાથ ધરી હતી. એક કલાક સુધી ચાલેલી આ ઝુંબેશે વિસ્તારને પ્લાસ્ટિક અને કચરા મુક્ત બનાવવાનો સંદેશ આપ્યો હતો.

ત્યારબાદ લૂન્સિકુઈ ગ્રાઉન્ડ ખાતે “એક પેડ માં કે નામ” અભિયાન અંતર્ગત વિશાળ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન વિવિધ જાતિના વૃક્ષોના રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું અને પર્યાવરણ સંરક્ષણ માટે વૃક્ષોની અનિવાર્યતા અંગે ઉપસ્થિત મહાનુભાવોએ માર્ગદર્શન આપ્યું હતું.

આ પ્રસંગે વક્તાઓએ સ્વચ્છતા અને હરિયાળી વચ્ચેના ગાઢ સંબંધ પર ભાર મૂકતા દરેક નાગરિકને પર્યાવરણ જતનમાં સક્રિય ભાગીદાર બનવા અપીલ કરી હતી. શહેરના ગ્રીન કવર વધારવા માટે મહાનગરપાલિકા સતત પ્રયાસશીલ હોવાનું પણ જણાવાયું હતું.

કાર્યક્રમના અંતે નવસારી મહાનગરપાલિકા દ્વારા તૈયાર કરાયેલા ‘વૃક્ષ રથ’ અને પર્યાવરણમૈત્રી ઇલેક્ટ્રિક વાહનોને લીલી ઝંડી આપી શહેરભરમાં મફત રોપા વિતરણ અભિયાનનો પ્રારંભ કરાયો હતો. આ વાહનો દ્વારા તુલસી, લીમડો, આસોપાલવ અને અન્ય ઉપયોગી છોડના રોપાઓ નાગરિકોને વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવવામાં આવશે.

પર્યાવરણ જાગૃતિ, સ્વચ્છતા અને હરિયાળીનો અનોખો સમન્વય સર્જતા આ કાર્યક્રમથી નવસારીમાં ગ્રીન સિટી તરફના પ્રયાસોને નવી દિશા મળી છે.

Back to top button
error: Content is protected !!