વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગામ
ટ્રેકટર દ્વારા કચરો ઉઠાવવાની સુવિધા છતાં અમુક લોકો જાહેરમાં કચરો નાખી ગંદકી ફેલાવે છે ખેરગામ વિસ્તારમાં જાહેરમાં કચરો નહીં નાખવા પંચાયત દ્વારા અનેક અપીલ કરવા છતાં ચાર રસ્તા વિસ્તારમાં વલસાડ રોડ ઉપર રસ્તાની બાજુમાં મોટી માત્રામાં ભેગો થયેલો કચરો પંચાયતે જાતે ઉઠાવી સફાઈ કરવાઈ હતી.જેના 20-25 દિવસમાં ફરીથી ત્યાં કચરો ભેગો થઈ જતા રસ્તાની બાજુમાં ગંદકી વ્યાપી રહી છે.પંચાયત દ્વારા ટ્રેકટર દ્વારા કચરો ઉઠાવવાની સુવિધા છતાં અમુક લોકો જાહેરમાં કચરો ફેંકતા ગંદકી થઈ રહી છે.
ગ્રામ પંચાયત દ્વારા સ્વચ્છતા અભિયાન અંતર્ગત ગામને સ્વચ્છ અને સુંદર રાખવાના અનેક પ્રયાસો થઈ રહ્યા છે,અગાઉ કેટલાક સ્થળોએ જાહેરમાં લોકો કચરો ફેંકી જતા હતા તે બંધ થાય અને જે તે સ્થળે કચરાના લીધે થતી ગંદકી અટકે તે હેતુસર પંચાયતે ગામનાં દરેક વિસ્તારમાં રીક્ષા ફેરવી જાહેરમાં કચરો નહીં નાખવા ગામલોકોને અપીલ કરવામાં આવી હતી,અને જો કોઈ જાહેરમાં કચરો ફેંકતા દેખાય જશે તેની સામે દંડ ફાટકારવાની કાર્યવાહી કરવાની પણ ચીમકી અપાઈ હતી.અત્યારે થોડા જ દિવસ પહેલા ચાર રસ્તાથી વલસાડ તરફ જતા રસ્તાની બાજુમાં ફરી કચરો મોટી માત્રામાં ભેગો થઈ જતા ગામનાં મહિલા સરપંચ ઝરણાબેન પટેલે રૂબરૂ સ્થળ પર પહોંચી કચરો ઉઠાવવા મજૂરોને કામે લગાડ્યા હતા.સરપંચે જાહેરમાં કચરો નહીં નાખી સહકાર આપવા લોકોને અપીલ પણ કરી હતી.આ વાતને હજુ માંડ પચીસેક દિવસ થયા હોય અહીં ફરીથી કચરો ભેગો થઈ ગયેલો જોવા મળી રહ્યો છે.હજુ લોકો આ સ્થળે કચરો નાખી ગંદકી ફેલાવી રહ્યા છે,ત્યારે પંચાયત હવે શું પગલાં ભરશે એ જોવાનું રહેશે.
ફોટો