વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ડાંગ જિલ્લાની સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ-આહવાની લાયબ્રેરી સમિતિ દ્વારા સરકારી વિજ્ઞાન કોલેજના સેમિનાર હોલમાં, ગત તારીખ ૧૨મી ઓગસ્ટ રોજ ‘રાષ્ટ્રીય ગ્રંથપાલ દિવસ’ ની ઉજવણી કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે વી.એસ.પટેલ કોલેજ ઓફ આર્ટસ એન્ડ સાયન્સ-બીલીમોરાના ગ્રંથપાલશ્રી ડો. દિગ્વિજયસિંહ જે. ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ વિદ્યાર્થીઓને ભારતના ગ્રંથાલયના પિતા તરીકે ઓળખાતા ડો. એસ. આર. રંગનાથનના જીવન વિશેની માહિતી આપી હતી.
ડો. એસ.આર.રંગનાથન એક એવા વ્યક્તિ, જેમણે પોતાનું જીવન ભારતના પુસ્તકાલયોના વિકાસ માટે સમર્પિત કરી દીધું હતુ. જેથી તેઓના માન સન્માનમાં, ભારતમાં દર વર્ષે ૧૨મી ઓગસ્ટના દિવસે ‘રાષ્ટ્રીય ગ્રંથપાલ દિવસ’ ની ઉજવણી કરવામાં આવે છે.
આ પ્રસંગે કોલેજના આચાર્યશ્રી ડો. ઉત્તમભાઈ ગાંગુર્ડેએ જણાવ્યું હતું કે, આદર્શ ગ્રંથાલયની ભુમિકા એક વાચક વર્ગ માટે સમાજમાં ઉપયોગી થઈ પડે છે. તેની મહાભારતકાળના મૂનિ વેદવ્યાસ અને ડાંગી ભગતોના ઉદાહરણ સાથે સમન્વય સાધી, તથા નવયુવાનોને જીવનમાં સાચા ગ્રંથપાલ બનીને ભવિષ્ય ઉજ્જ્વળ કરવા આહવાન કર્યું હતુ. તથા વિદ્યાર્થીઓને પુસ્તકાલય અને ગ્રંથપાલશ્રીની ચીવટથી કામ કરવાની ક્ષમતા વિશે સુક્ષ્મ માહિતી, તેમજ વેદ સુધી લઈ જઈને ભગવતગીતાના ઉદાહરણ દ્વારા કાર્યક્રમને જીવંત બનાવ્યો હતો.
આ કાર્યક્રમમાં સરકારી વિજ્ઞાન કોલેજના આચાર્યશ્રી ડો.એ.જી.ધારીયા સહિતના કોલેજના પ્રાધ્યાપકશ્રીઓ તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.