NAVSARI : પ્લાસ્ટિક મુક્ત ગુજરાત તરફ નવસારી જિલ્લા R&B વિભાગની મહત્વપૂર્ણ પહેલ…
વાત્સલ્યમ્ સમાચાર
મદન વૈષ્ણવ
નવસારી જિલ્લામાં નડોદ-શિમળગામ માર્ગ પર પ્લાસ્ટિક કચરાનો પુનઃઉપયોગથી માર્ગ મજબૂતિકરણનો પાયલટ પ્રોજેક્ટ તરીકે અમલ*
*આ પહેલથી પર્યાવરણ સંરક્ષણ, ખર્ચમા બચત અને લોકો માટે સલામત ટકાઉ માર્ગ વ્યવસ્થાપન ત્રણેય શક્ય બને છે. જે અન્ય જિલ્લાઓ માટે પણ પ્રેરણારૂપ છે.-માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેરશ્રી મનીષ પટેલ*
-*પરંપરાગત રીતે વપરાતા ડામર સાથે મિશ્રિત પ્લાસ્ટિક વેસ્ટનો ઉપયોગ કરીને તૈયાર કરેલા માર્ગની સપાટી વધુ મજબૂત હોય છે*
નવસારી જિલ્લામાં નડોદ-શિમળગામ માર્ગનું પ્લાસ્ટિક કચરાના પુનઃઉપયોગથી મજબુતીકરણ તથા આધુનિક માર્ગ સુવિધાઓનું નિર્માણ-નવસારી આર એન્ડ બી વિભાગ દ્વારા ઈનોવેટિવ પહેલ હાથ ધરવામાં આવી છે.
નવસારી જિલ્લાના નડોદથી શિમળગામને જોડતો મહત્વપૂર્ણ માર્ગ હવે વધુ મજબૂત, ટકાઉ અને પર્યાવરણમૈત્રી બની ગયો છે. માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય), નવસારી દ્વારા કાર્યપાલક ઇજનેરશ્રીના નેતૃત્વ હેઠળ આ માર્ગ પર પ્લાસ્ટિક કચરાનો ઉપયોગ કરીને મજબુતીકરણ કરવામાં આવ્યું છે, સાથે જ માર્ગ પર નવીન રોડ ફર્નિચર સુવિધાઓ પણ સ્થાપિત કરવામાં આવી છે. *માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેરશ્રી મનીષ પટેલ*. નવસારી જિલ્લા માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેરશ્રી મનીષ પટેલે આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, નવસારી જિલ્લામાં નડોદ-શિમળગામે માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય), નવસારી દ્વારા પ્લાસ્ટીક વેસ્ટ અને ડામરના ઉપયોગથી રસ્તો બનાવ્યો છે. આના લીધે રસ્તો ટકાઉ અને મજબુત બને છે અને લાંબા ગાળે આ રસ્તો અન્ય રસ્તાઓ કરતા બનાવવાનો ખર્ચ પણ ઘટે છે. આ પહેલ નવસારી જિલ્લા માટે ગૌરવની બાબત છે. આ પહેલથી પર્યાવરણ સંરક્ષણ, ખર્ચમા બચત અને લોકો માટે સલામત ટકાઉ માર્ગ વ્યવસ્થાપન ત્રણેય શક્ય બને છે. આ પહેલ અન્ય જિલ્લાઓ માટે પણ પ્રેરણારૂપ બની શકે છે.
આ યોજનાનો મુખ્ય હેતુ પર્યાવરણ સંરક્ષણ સાથે ટેકસાળ માર્ગ વ્યવસ્થાની રચના કરવાનો છે. પરંપરાગત રીતે વપરાતા ડામર સાથે મિશ્રિત પ્લાસ્ટિક વેસ્ટનો ઉપયોગ કરીને તૈયાર કરેલી આ માર્ગ સપાટી વધુ મજબૂત છે. લાંબો સમય ચાલે છે અને જળસ્રાવ તથા ગરમી સામે વધારે રેઝિસ્ટન્ટ છે. પ્લાસ્ટિક કચરાનો પુનઃ ઉપયોગ કરી આ પ્રકારનું નિર્માણ કરવું માત્ર તાંત્રિક રીતે જ નહિ, પરંતુ પર્યાવરણની દ્રષ્ટીએ પણ મહત્વપૂર્ણ છે – કારણકે તે જમીનમાં પડતા નોન-બાયોડિગ્રેડેબલ કચરાને માર્ગ બનાવટમાં રૂપાંતરિત કરે છે.
માર્ગની બંને બાજુઓ પર રિફ્લેક્ટિવ સાઇનબોર્ડ્સ, માર્ગદર્શક ફલકો, સ્પીડ બ્રેકર, થર્મોપ્લાસ્ટ પટ્ટા, સેન્ટ્રલ લાઈન વગેરે જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે, જે વાહનચાલકોની સુરક્ષા સાથે માર્ગની દૃશ્યમાનતા પણ વધારે છે. આટલું જ નહીં, સામાન્ય નાગરિકો માટે પણ માર્ગનું ઉપયોગ વધુ આરામદાયક, સુરક્ષિત અને અનુરૂપ બન્યું છે.
આ અભિગમ રાજ્ય સરકારના પર્યાવરણ સ્નેહી વિકાસ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત માટેના પ્રયાસોને સહકાર આપે છે. આવા પ્રોજેક્ટ ફક્ત ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ સુધી સીમિત નથી, પરંતુ તેઓ પર્યાવરણ લાભદાયી થનાર ભવિષ્યમુખી દ્રષ્ટિકોણના જીવંત ઉદાહરણો છે.
માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય), નવસારી દ્વારા અમલમાં મૂકાયેલો આ પ્રકલ્પ માર્ગ વિકસિત કરતા એજન્સીઓ અને ઇજનેરો માટે પણ નવી દિશા નિર્ધારિત કરે છે. ટકાઉ વિકાસના હેતુઓ સાથે સંકલિત આવા પ્રોજેક્ટ બીજા વિસ્તારમાં પણ અમલમાં લઈ શકાય તેવા છે.
પ્લાસ્ટિક વેસ્ટ આજના યુગની સૌથી મોટી પર્યાવરણીય સમસ્યા છે. રોજબરોજ વધતા આ કચરાના ઢગલાઓ જમીન અને જળસ્રોતોને પ્રદૂષિત કરી પર્યાવરણને ગંભીર નુકશાન પહોચાડે છે. પ્લાસ્ટિક કચરાનો પુનઃઉપયોગનો આ પ્રયોગ માત્ર માર્ગ નિર્માણમાં નવીનતા નથી, પરંતુ પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટનો એક ટકાઉ ઉકેલ પણ છે. નવસારી જિલ્લા દ્વારા હાથ ધરવામાં આવેલ આ મોડલને સમગ્ર રાજ્ય અને દેશમાં વ્યાપકપણે અપનાવવામાં આવે તો તે પ્લાસ્ટિક મુક્ત ભારત તરફનો એક મજબૂત પગલું સાબિત થશે.