નંદેલાવ વિસ્તારમાં આડેધડ પાર્ક કરતા વાહન પર પોલીસની તવાઈ, ત્રણ આઈસરમાં 45 પોલીસકર્મીઓની હાજરીમાં વાહનો ભરીને પોલીસ મથકે જમા કર્યા



સમીર પટેલ, ભરૂચ
ભરૂચના નંદેલાવ પંચાયતની હદમાં દહેજ કંપનીઓમાં નોકરીએ જતાં કામદારો પોતાની મોટર સાયકલો બુસા સોસાયટીના માર્ગ પર પાર્ક કરતા હોય સ્થાનિકોએ પોલીસમાં અરજી કરી હતી.જેથી એ ડીવીઝન પોલીસે આજે પોલીસ કર્મીઓની હાજરીમાં ટેમ્પોમાં મોટર સાયકલ ભરીને પોલીસ મથકે જમા કરાવ્યા હતા.જેના પગલે કામદારો પોલીસ મથકે દોડતા થયા હતા.
સ્થાનિકો અને વાહન ચાલકો વચ્ચે માથાકૂટ થતી હતી
ભરૂચ જિલ્લાના દહેજમાં અનેક ઔદ્યોગિક કંપનીઓ આવેલી છે.જેમાં લાખો કામદારો નોકરી કરે છે તેઓને કંપનીમાં લઇ જવા માટે ટ્રાન્સપોર્ટની લક્ઝરી બસો દ્વારા લઈ જવા અને લાવવામાં આવે છે.જોકે તેઓને લઈ જવા માટેના ચોક્ક્સ સ્થળ નક્કી કરવામાં આવેલા છે.આ કામદારો તે સ્થળ પર પહોંચવા પોતાના વાહનો મોપેડ અને મોટરસાયકલ લઈને તે સ્થળ પર પહોચતા હોય છે,પરતું તેઓ તેમના વાહનો ગમે ત્યાં રોડ રસ્તાની બાજુમાં લાવારીસ પાર્ક કરીને કંપનીમાં નોકરીએ જતા રહેતા હોય છે.પરતું તેઓ દ્વારા પાર્ક કરેલા વાહનોના કારણે આસપાસની સોસાયટીના લોકો અને ટ્રાફીકને અડચણરૂપ બનતા હોય છે.જોકે ક્યારેક સ્થાનિક અને વાહનોવાળાઓ વચ્ચે વાહન પાર્ક કરવા બાબતે માથાકૂટ પણ થતી રહે છે.
સ્થાનિકોએ લેખીત અને મૌખિક રજૂઆતો કરી હતી
ભરૂચના નંદેલાવ ગ્રામ પંચાયતની હદમાં ફેઇથ કેલવરી સ્કૂલ નજીક પે પાર્કિંગ આવેલું હોવા છતાંય અમુક બેજવાબદાર વાહન ચાલકો પોતાની મોટર સાયકલો બુસા, મંગલદીપ તથા જાહેર માર્ગો પર પાર્ક કરી દેતાં હોય છે આ અંગે પંચાયત અને સ્થાનિક સોસાયટીના લોકોએ અનેક વખતે નો પાર્કીંગના બોર્ડ પણ લગાવ્યા હોવા છતાંય કોઈને કઈ ફર્ક જ ન પડતો હોય તે રીતે લોકો વાહનો પાર્ક કરી દેતાં હોય છે.આ બાબતે લોકોએ નંદેલાવ પંચાયત અને સ્થાનિક રહીશોએ ભરૂચ એ ડીવીઝન પોલીસ મથકમાં લેખિત અને મૌખિક રજૂઆતો કરી હતી.
પોલીસની કામગીરીથી સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો
આ અંગે પીઆઈ વી.યુ.ગદરિયા અને પીએસઆઈ પાટીલ સહિતના પોલીસ સ્ટાફ આજે મંગળવારે વહેલી સવારે બિનવારસી પાર્કિંગ કરેલા વાહનો આઈસર ટેમ્પોમાં ભરીને શહેર એ ડીવીઝન ખાતે લઈ જવામાં આવ્યા હતા.જેમાં અંદાજીત 45 જેટલા પોલીસ કર્મીઓ અને ત્રણ અધિકારીની હાજરીમાં 30 જેટલા શ્રમિકો દ્વારા વાહનો ટેમ્પોમાં ભરીને પોલીસ મથકે લઈને જવાની કામગીરી શરૂ કરાઇ હતી.આ અંગે અમુક વાહન ચાલકને જાણ થતાં તેઓ પોલીસ મથકની દોડ લગાવી હતી. જોકે હાલમાં તો પોલીસ તેમની પાસેથી દંડની વસુલાત કરીને ચેતવણી આપીને વાહન છોડવામાં આવશે. પોલીસની કામગીરીને લઈને સ્થાનિકોઓએ રાહતનો શ્વાસ લીધો છે.



