વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગામ
ખેરગામ રામજી મંદિરના પટાંગણમાં દશેરા નિમિત્તે દર વર્ષની જેમ આ વખતે પણ ભવ્ય મેળાનું આયોજન રામજી મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં હજારોની સંખ્યામાં આજુબાજુના ગામોના લોકો ઉપસ્થિત રહી મંદિરના દર્શન તથા મેળાનો લાભ લીધો હતો.આ પ્રસંગે રાવણના વિશાળ પૂતળાનું દહન કામદાર નેતા આરસી પટેલના હસ્તે કરવામાં આવ્યું. સૌપ્રથમ આગેવાનો દ્વારા ભગવાનની આરતી ઉતાર્યા બાદ રાવણના વધની વિધિ કરવામાં આવી હતી. તે સમયે હજારો ભક્તો “જય શ્રી રામ” ના ઉલ્લાસમય નાદ સાથે ઝૂમી ઉઠ્યા હતા.
આરસી પટેલે પોતાના સંબોધનમાં જણાવ્યું કે,
> “બીજે ક્યાંય રાવણ બળે કે ન બળે, પરંતુ ખેરગામમાં સાચા અર્થમાં રાવણ દહન થાય છે. અનિષ્ટ ઉપર સત્યનો વિજય થવો જ દશેરાની સાચી પરંપરા છે અને ખેરગામની પ્રજા તેને હૃદયપૂર્વક નિભાવે છે.”
છેલ્લા ઘણા વર્ષોથી અવિરત રીતે ખેરગામ રામજી મંદિરે રાવણ દહન થતું આવ્યું છે. ટ્રસ્ટના પ્રમુખ સંજયભાઈ અરવિંદ ચૌહાણ, અનિલભાઈ કાપડિયા, અલ્પેશભાઈ ગજ્જર, પ્રકાશભાઈ સહિતના આગેવાનો તેમજ યુવાનોના સહકારથી સમગ્ર કાર્યક્રમ સફળ બન્યો હતો.આ પ્રસંગે પોલીસ સ્ટાફ પણ ખડે પગે ઉપસ્થિત રહી, કોઈ અનિષ્ટ બનાવ ન બને તેની ચુસ્ત વ્યવસ્થા સંભાળી હતી.